Tuesday, 21 January 2014

[Vijay Kudal] [VijayKudal] Angana ni Tulsi (Gujarati)

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Angana ni Tulsi (Gujarati)'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

મૂગા રહો, સહન કરો પણ ક્યાં સુધી?
આંગણની તુલસી – અવંતિકા ગુણવંત
નર્મદાબા હકપૂર્વક, જીદથી બધું માગી શકતાં અને કુમુદબહેન પહેલેથી દબાઈ ગયેલાં. એમના ઘરની પરિસ્થિતિ જોઈને ત્રાહિત માણસને થાય કે શું બોલે તેના જ બોર વેચાય?
 
કુમુદબહેન શાકમારકિટની દુકાને દુકાને ફરતાં વિચારે છે કે શું હું સુખી છું? કુમુદબહેનથી ચલાતું નથી, એમની ઉંમર પણ ૭૮ વર્ષની થઈ છે, પગમાં પહેલાં જેવી તાકાત નથી, છતાં તેઓ આજે શાકમારકિટમાં ફરે છે કારણ કે એમના સાસુને તડબૂચનો રસ પીવો છે. કુમુદબહેને સાસુને કહ્યું, 'બા, અત્યારે તો ભરશિયાળો છે. આ ઠંડીમાં તરબૂચ ના મળે.' તરત એમના સાસુ નર્મદાબા ગરજ્યા, 'તને મારકિટમાં જતાં જોર આવે છે એટલે બહાના કાઢે છે! અમદાવાદ આવડું મોટું શહર છે અને સીઝન વગર તડબૂચ ન મળે? કુમુદ તેં તો બોલી કાઢ્યું પણ તારા કહેવા પર મને વિશ્ર્વાસ નથી આવતો. માટે નોકરને નહીં તું જાતે જા અને તડબૂચ શોધ, મળી જશે.'

નર્મદાબાની ઉંમર સો વર્ષની છે, તેઓની ઉંમર થઈ છે પણ મગજ અને જીભ પુરજોશમાં ચાલે છે, રોજ સવાર સાંજ એમને વિવિધ વાનગી ખાવા જોઈએ. સવારનું શાક કે રોટલી સાંજે ન ચાલે. રોટલી તો એમના દેખતાં ગરમ ગરમ તૈયાર થવી જોઈએ. નર્મદાબાના પગમાં તાકાત નહીં પણ કાન સરવા. કાને જરાય બહેરાશ નહીં આવેલી. ઘરમાં કોઈ મહેમાન આવે તો તરત એ બોલે, 'મને દીવાનખાનામાં લઈ જાઓ.' એમનો હાથ પકડીને કોઈ ચલાવવા જાય તો ચાલે નહીં કહે, 'મને ઊંચકી લે. મને ઊંચકતા તને જોર આવે છે? તારા હાથ ભાંગી ગયા છે?

નર્મદાબાની જીભ બહુ કડવી, એમની જીભે કદી બે મીઠા શબ્દો ન આવે. કુમુદબહેને એમના માટે કામ કરનાર બાઈ રાખી. કુમુદબહેનના મનમાં એવું હતું કે આ બાઈ ખાસ નર્મદાબા માટે જ રાખી છે તેથી એમને સંતોષ થશે. બાઈને દસ હજાર રૂપિયા, ખાવું, પીવું ને કપડાં આપવાનું નક્કી કર્યું હતું. નર્મદાબાને રોજ નવડાવવાનાં, માથું ઓળી આપવાનું, એમને જમાડવાના વગેરે કામ કરવાનાં હતાં. 

એ બાઈ નમ્ર અને કહ્યાગરી હતી. કુમુદબહેનને હતું કે નર્મદાબાને ફરિયાદ કરવાનું કારણ નહીં મળે, પરંતુ નર્મદાબાએ તો બાઈને પોતાની રૂમમાંથી કાઢી મૂકી. અને મોટેમોટેથી ઘાંટા પાડીને બોલવા માંડ્યાં, 'કેમ રે કુમુદ, મારાં બે કામો તારાથી થતાં નથી તો બાઈ રાખી છે? અરેરે જેને દીકરાવહુ ન હોય એ નિસાસા નાખીને રડે કે દીકરો વહુ નથી. અમારી ચાકરી કોણ કરે? મારે તો દીકરો છે રતિલાલ એ મારો દીકરો આજ્ઞાંકિત દીકરા રામ જેવો, એને તારા જેવી વહુ મળી છે, તમે બેઉં છો તોય મારાં કામ ભાડૂતી માણસ કરે? તો કુમુદવહુ, તમે હાથે મેંદી મૂકીને બેસી રહેશો? મારાં કામ તમે કરો, નહીં તો રહેવા દો, મારી દીકરી મંજુ આવશે ને મને નવડાવશે, માથું ઓળશે અને ખવડાવશે. નર્મદાબા માટે રાખેલી બાઈને તો નર્મદાબાએ ધૂત્કારીને કાઢી મૂકી. કુુમુદબહેન મુંઝાઈ ગયાં, હવે કરવું શું? કુમુદબહેનના દીકરા પરેશની વહુ સેજલ નવા જમાનાની યુવતી છે એનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે, એ આધુનિક વિચારસરણીવાળા કુટુંબમાંથી આવે છે, એના માબાપે એનો અને એના ભાઈ આશિષનો ઉછેર સમાન રીતે કર્યો છે. 

સેજલને એના સાસુ કુમુદબહેનની દયા આવે છે. એ કહે છે, 'મમ્મીજી, તમે વધારે પડતાં નમ્ર છો તેથી નર્મદાબા તમને દબાવે છે, હું તમને બાને અવગણવાનું નથી કહેતી, પણ તમે તમારા અસ્તિત્વનો જ લોપ કરી નાખ્યો છે તે બરાબર નથી. પપ્પાજી પણ ખુલ્લી આંખે તમારી પર ચલાવાતી જોહૂકમી જુએ છે પણ તેઓ કંઈ બોલતાં નથી.'

કુમુદબહેન બોલ્યાં. 'સેજલ, આખી જિંદગી મેં બાની ઈચ્છા માથે ચડાવી છે અને છેક અત્યારે…

સેજલ બોલી, 'મમ્મીજી, તે સમય તમારી યુવાનીનો હતો, ત્યારે તમારામાં કૌવત હશે તો એમનો શબ્દે શબ્દ માથે ચડાવતા હશો. પણ અત્યારે? બાને તો ખ્યાલ આવતો નથી પણ તમારીય ઉંમર છે…

સેજલ એનું બોલવાનું પૂરું કરી લે એ પહેલાં કુમુદબહેન બોલ્યાં, 'સેજલ, મને તો થાય છે, બા કરતાં હું પહેલાં જઈશ.' હવે મારાથી ખેંચાતું નથી. બોલતાંય મને હાંફ ચડે છે, મારી યાદશક્તિ પણ નબળી પડી છે જ્યારે બાનાં બધાં અંગઉપાંગ સાબૂત છે.'

કુમુદબહેનને બે દિયરો છે, એક કેનેડા વસ્યો છે, બીજો યુ.કે.માં. તેઓ બાની ખબરઅંતર પૂછે છે નિયમિત ટેલિફોન કરીને-અને બા ખુશ ખુશ થઈ જાય છે કે મારા દીકરાઓ કેવા લાગણીવાળા છે. 

સેજલ બાના મોંએ એમના બે દીકરાઓના વખાણ સાંભળીને બોલવા જાય કે બા, તમે એમના ઘરે તો જાઓ અને પછી જુઓ કે તમારી કેવી ચાકરી થાય છે! પણ કુમુદબહેન સેજલને એવાં આકરાવેણ કહેતાં અટકાવે. કુમુદબહેન એમના આદર્શ અને સંસ્કાર મુજબ આખા કુટુંબને સાચવ્યું છે. પણ હવે તેઓ થાક્યાં છે.

વળી અધૂરામાં પૂરું નર્મદાબા સેજલ સાથે મીઠાશથી બોલે છે, બહારનું કોઈ આવે એની સમક્ષ સેજલના વખાણ કરે છે. ધીરે ધીરે સેજલ તટસ્થ રહેવાના બદલે નર્મદાબાની નજરે આખી પરિસ્થિતિ જોવા માંડી, એમની ભાષા બોલવા માંડી. સાસુ કુમુદબહેન માટેની સુંવાળી લાગણી ઓસરવા માંડી, કુમુદબહેન પોતાની પુત્રવધૂમાં આવેલો બદલાવ જુએ છે પણ 'જેવાં મારાં નસીબ' કહીને ચૂપ રહે છે. 

કુમુદબહેનના પતિ રતિલાલ સ્વભાવે સાવ મોળા હતા. પોતાના હક માટે તેઓ મોં ખોલીને કશું બોલ્યાં નથી. પોતાની પત્નીની તબિયત જોઈને એમને દયા આવતી, પત્નીની ભલમનસાઈનો પોતાની બા તેમજ પુત્રવધૂ દૂરપયોગ કરે છે એવું તે જોતાં પણ મોં ખોલીને કદી ટકોર કરી શકતા નહીં. નર્મદાબા હકપૂર્વક, જીદથી બધું માગી શકતાં અને કુમુદબહેન પહેલેથી દબાઈ ગયેલાં. એમના ઘરની પરિસ્થિતિ જોઈને ત્રાહિત માણસને થાય કે શું બોલે તેના જ બોર વેચાય? પણ આજ સુધી શાંત રહીને સહન કર્યા કરનાર કુમુદબહેન સહન કરે જાય છે. તેઓ વિચારે છે, હું મોટા બંગલામાં રહું છું, મારે એકનો એક દીકરો છે, એનેય એક દીકરો છે જે ફાર્મસીમાં ભણે છે. પહેલી નજરે મારે કોઈ દુ:ખ નથી. પણ ખરેખર શું હું સુખી છું? આ ઉંમરે હું શું કરું?

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-angana-ni-tulsi-gujarati/

No comments:

Post a Comment