Monday 27 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati article by Dr Kalpana Dave

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati article by Dr Kalpana Dave'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

લગ્નજીવનની સમસ્યાનો ઉકેલ શો?
મારું આકાશ ક્યાં?…. – ડૉ. કલ્પના દવે
કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો. આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. દાંપત્ય જીવનની સમસ્યાનો અંત એટલે છૂટાછેડા… આ સાચો માર્ગ નથી
 
કારમી મોંઘવારીમાં ઘરના બે છેડા મેળવવા આજે બધાને સંઘર્ષ કરવો પડે છે. એમાંયે મુંબઈ શહેરમાં રહેવાનું શ્રમજીવી વર્ગ માટે વધુ દુષ્કર બની જાય છે. એડવોકેટ કેતકી ત્રિવેદીને ઘરે આખા દિવસનું કામ કરનારી વીરુની પ્રેમકથા સંઘર્ષમય હોવા છતાં સુખદાયક બની શકી છે. 

ઍડવોકેટ કેતકી ત્રિવેદીને ઘરે છેલ્લાં દસ વર્ષથી વીરુ કામ કરે છે. કેતકીના પાંચ વર્ષના બાળકની સંભાળ લેવી, રસોઈ કરવી તથા ઘરનાં તમામ કામ વીરુ હસતે મોઢે કરતી. કેતકી ત્રિવેદીના ઘરની નજીક આવેલી ચાલીની ડબલ રૂમમાં વીરુ તેના પરિવાર સાથે રહે છે. સવારે સાડાનવ વાગે હાજર થઈ જતી વીરુ સાંજે સાત વાગે પોતાના ઘરે જાય છે. હા, શનિવારે એને અડધો દિવસ, એટલે બપોરે બે વાગે એ ઘરે પહોંચી જાય.

શનિવાર એટલે વીરુનો એના પતિ રામુ સાથે ફરવાનો દિવસ. રામુ સાથે પ્રેમલગ્ન કરનાર વીરુ દર શનિવારે સાંજે બગીચામાં જાય, પછી મહાલક્ષ્મી માતાને દર્શને જાય. અને તે સાંજે બંને જણ ચોપાટી પર નાસ્તો કરે. વીરુ અને રામુ જીવનની જરૂરિયાતો પૂરી કરવા સખત મહેનત કરતાં. સતત પૈસાની ખેંચ વર્તાતી પણ તેમના જીવનમાં ક્યાંય ફરિયાદ ન હતી. પ્રેમ અને આનંદ સદાય તેમના મુખ ઉપર જોવા મળે. રામુ હૉસ્પિટલમાં વોર્ડબોય તરીકે કામ કરતો હતો અને દર શનિવારે એને રજા હોય. એટલે વીરુ પણ અડધો દિવસ એની સાથે માણી લે. 

રામુએ લગ્નનો પ્રસ્તાવ મૂકતાં જ વીરુને કહ્યું હતું: 'વીરુ, મારા માતા-પિતા વૃદ્ધ છે એની કાળજી રાખવાની એ આપણી પ્રથમ ફરજ છે. એમને કોઈ વાતે તકલીફ ન પડવી જોઈએ. બીજું, મારી બહેનને સારું ઠેકાણું શોધી પરણાવી દેવાનું કામ આપણું છે. હા.., વીરુ તને કોઈ વાતે દુ:ખ નહીં થવા દઉં, પણ ઘરને તારે સંભાળી લેવાનું.'

વીરુ રામુનો હાથ પોતાના હાથમાં લેતાં હસીને કહ્યું: 'મને તો મારા રામુનો પ્રેમ મળે એટલે બસ – તારા માતા-પિતા એ મારાં પણ મા-બાપ છે અને તારી બહેન એ મારી પણ બહેન છે.' 

આજે આ વાતને નવ વર્ષ ને છ મહિના થઈ ગયા. હવે વીરુ માતા બનવાની છે. થોડુંક શરમાતાં અને થોડુંક હરખાતા વીરુએ પોતાની શેઠાણીને કહ્યું: 

'ભાભી, આ રવિવારે અમારે ઘરે સત્યનારાયણની કથા રાખી છે. મારી ગોદભરાઈ છે તમે આશીર્વાદ આપવા આવજો.'

'વાહ… વીરુ, ખૂબ સારા સમાચાર છે. પણ જો હવે જરા વધુ સાચવજે. ડૉક્ટરની સલાહ પ્રમાણે દવા બરાબર લેજે.'

'ભાભી, તમે તો મને ઘરની દીકરીની જેમ પ્રેમથી રાખી છે. મને ક્યારેય એવું લાગ્યું નથી કે હું અહીં કામવાળી છું.'

'વીરુ, તું પણ ખૂબ મહેનતુ અને ઈમાનદાર છે. તે ક્યારેય કામચોરી કરી નથી. આલોકને તું કેવું સરસ સાચવે છે?'

'વીરુ, લગ્ન પછી નવ વર્ષે તને બાળક આવશે. તને કેવું લાગે છે?'

'ભાભી બાળકનો જન્મ થશે. આ વિચારથી જ હું પ્રસન્ન થઈ જઉં છું. ખરું પૂછો તો અમે જાણીજોઈને જ બાળક થવા દીધું ન હતું.'

'કેમ વીરુ, શું કારણ હતું બાળક ન થવા દેવાનું?'

'ભાભી, લગ્ન પહેલાં જ મને રામુએ કહ્યું હતું નાની બહેનનાં લગ્ન કરાવવાની જવાબદારી આપણી છે. એનો ખર્ચો ૧૦થી ૧૨ હજાર થાય. જો અમે બંને કામ કરીએ તો પૈસા ભેગા થાય, માટે અમે બંને મહેનત કરીને ઘર ચલાવતાં અને પૈસા બચાવતાં હતાં જેથી કોઈ પાસે ઉધારી ન કરવી પડે.'

'વીરુ, તું કમાય છે તો તારા પૈસાની બચત કરે કે નહીં?'

'ભાભી, બચત ક્યાંથી થાય? લગ્ન પછી આ ડબલ રૂમ લીધી એની ડિપોઝિટના ૪૦,૦૦૦ રૂ. આપવા મેં મારા મામાને કહ્યું. તે એમણે દર મહિને ૪,૦૦૦ રૂ. ચૂકવવાની શરતે આપ્યા. પછી મારાં સાસુની માંદગી આવી એમાં ખર્ચો થયો ત્યારે તમે મદદ કરી. ભાભી, તમે મારા સસરાના ઑપરેશમાં પણ મદદ કરી હતી.' 

'વીરુ, એમાં શું થઈ ગયું. આપણે થઈ શકે એટલી મદદ કરવી જોઈએ.'

ભાભી, હું અને રામુ તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ. આજે તમે ડૉક્ટરનો તથા ઑપરેશન – દવાનો ખર્ચો ઉપાડી લીધો તો મારા સસરા બચી ગયા.

વીરુ પગે લાગીને ઘરે જતી હતી ત્યારે શેઠાણીએ પૂછ્યું: 'વીરુ, તેં બદલીવાળી બાઈને કામ સમજાવી દીધું છે ને?' વીરુએ કહ્યું, 'હા ભાભી, તમે ચિંતા ન કરતાં એ મારી જેમ જ બધું કામ કરશે.'

શેઠાણીએ કહ્યું: 'વીરુ, જરા આ ખુરશી પર બેસ. મારે કામ છે.' ભાભીએ વીરુને કંકુનો ચાંલ્યો કર્યો અને એની ગોદમાં ગણેશજીનો ફોટો અને માતાજીનો ચાંદીનો સિક્કો મૂક્યો. પછી નાળિયેર ગોદમાં મૂકતાં કહ્યું: 'શુભમ્ ભવતુ.. કલ્યાણમસ્તુ.. તારી કૂખે સ્વસ્થ બાળક અવતરો એવી પ્રભુને પ્રાર્થના કરું છું.'

રવિવારે સવારે સાડાદસ વાગે કેતકી ત્રિવેદી વીરુને ઘરે ગયાં. શેઠાણીભાભીને જોતાં જ વીરુંનું હૈયું ભરાઈ આવ્યું જાણે એની માતા જ એને આશીર્વાદ આપવા ન આવી હોય!

શેઠાણી ભાભીને જોતાં જ વીરુ અને એનો પતિ રામુ બંને પગે લાગ્યાં. રામુના વૃદ્ધ પિતાના બોખા મોં પર હાસ્યનું મોજું ફરી વળ્યું. એણે હાથ જોડીને નમસ્કાર કરતાં શેઠાણીભાભીને કહ્યું: 

'તમે તો સાક્ષાત્ દયાનાં દેવી છો. તમારા આવવાથી અમારું ઘર પાવન થઈ ગયું.' 

વીરુના શ્રીમંત અવસરે શેઠાણીભાભીએ સુંદર સાડી ઓઢાડી અને આશિષ આપતાં કહ્યું: 'ખૂબ સુખી થાઓ અને સ્વસ્થ બાળકને પ્રાપ્ત કરો.' 

બીજે દિવસે સવારે બદલીવાળી બાઈ ઘરે આવી પણ શેઠાણીભાભીનું હૈયું તો વીરુને ઝંખી રહ્યું હતું. પણ હવે તો વીરુ ક્યારે કામ પર ચઢશે કહેવાય નહીં. એનું નાનું બાળક. હવે એ આખો દિવસ તો કદાચ ન રહી શકે. પછી શેઠાણીભાભીએ મનને વાળી લીધું. વીરુનું બાળક જરા મોટું થશે પછી એને ફરી કામ પર રાખીશ. ત્યાં સુધી તો આ બાઈને કામ કરવાનું છે. 

ઍડવોકેટ મિસિસ કેતકી ત્રિવેદી આજે મનથી થોડાં અસ્વસ્થ હતાં. વીરુનો ચહેરો, તેનો પ્રેમ, આલોક માટેની તેની કાળજી, સામાન્ય માણસમાં મોટાઈનાં દર્શન કરાવે એવી વીરુ.

શેઠાણીભાભી વીરુના વિચારોમાં ખોવાયેલાં હતાં ત્યાં જ એમની કેબિન પર ટકોરા મારતાં સંભળાયું: 

'મે આય કમ ઈન, મેડમ.'

'યસ… યસ.. પ્લીસ કમ ઈન.' 

ઍડવોકેટ કેતકી મેડમની ઓફિસમાં બત્રીસ વર્ષની યુવતી સોનિયા અને તેનો પતિ મેહુલ પ્રવેશ્યાં. બંનેનાં લગ્નને માત્ર ચાર વર્ષ થયાં હતાં. એમણે છૂટાછેડા માટેની અરજી કરી હતી. આજે કાઉન્સેલિંગ માટેની તેમની તારીખ હતી. વીરુના વિચારોમાં ખોવાયેલી કેતકી આજનું શેડયુલ જોવાનું ભૂલી ગઈ હતી. એમની ફાઈલને રિફર કરવાનું પણ બાકી હતું. 

ઍડવોકેટ મિસિસ કેતકી ત્રિવેદીની નજર સમક્ષ એક સુખી સંપન્ન પરિવારની શિક્ષિત યુવતી સોનિયા લગ્નવિચ્છેદની અપીલ કરવા ઊભી હતી. સાથે આવેલો યુવક મેહુલ પણ પૈસા અને યુવાનીના ઘમંડમાં નમતું જોખવા તૈયાર ન હતો. જ્યારે બીજી તરફ અર્ધ શિક્ષિત, શ્રમજીવી વર્ગના વીરુ અને રામુ હતાં જેમની પાસે પ્રેમ, અરસપરસની સમજ, સમર્પણની ભાવના હતી. 

સોનિયા પાસે શિક્ષણ છે. જાતે કમાય છે. આર્થિક રીતે સ્વતંત્ર છે. ભૌતિક સમૃદ્ધિની તમામ સુવિધાથી સમૃદ્ધ હોવા છતાં એના પતિથી, એના સાસરિયાંથી એ સુખી નથી. કદાચ સોનિયાને ઘમંડ છે એના રૂપનું? એની વિદ્યાનું? કે એની સમૃદ્ધિનું? એ કોઈ પણ રીતે પતિ સાથે સમાધાન કરવા તૈયાર નથી. નારી સ્વાતંત્ર્ય, સમાનતાનો ઝંડો હાથમાં લઈ લડવા તૈયાર થયેલી આ સોનિયાના મનમાં પારિવારિક સુખ, શાંતિ, સમર્પણના સંસ્કારો કદાચ હજુ ઊગ્યા જ નથી?

એનો પતિ મેહુલ પોતાનો અહમ્ છોડીને સોનિયાના મનોભાવને સમજવાનો પ્રયત્ન કરી ન શકે? પ્રેમના હરિયાળા ખેતરમાં દુકાળ પડવાનું શું કારણ હશે? એમનાં વૃદ્ધ માતા-પિતાની કોઈ મજબૂરી હશે કે ઉદાસીનતા… આ યુવાન સંતાનોને લગ્નજીવનનો સાચો મર્મ નથી સમજાવી શકતા? તેમના મનમાં કૌટુંબિક એકતાની ભાવના કેવી રીતે ઉજાગર થઈ શકે? આ પ્રશ્ર્ન અહીં અણઉકેલ્યો જ રહે છે એનું શું કારણ?

જ્યારે બીજી તરફ કારમી મોંઘવારી – ગરીબી અને પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે વીરુ અને રામુ પોતાના કુટુંબના આધાર બની શકે છે. પતિની આજ્ઞા પ્રમાણે નણંદનાં લગ્ન માટે પોતાના બાળકનો વિચાર વીરુ દૂર ઠેલી શકે છે. નણંદને ઠેકાણે પાડી તેની જોડે મીઠા સંબંધો જાળવી શકે છે. સાસુની માંદગીમાં સેવા કરે છે. સસરાજીની પિતાશ્રીની જેમ સંભાળ લે છે – ગૃહિણી તરીકેની પ્રત્યેક ફરજ હસતે મોઢે નિભાવે છે. મારી કમાણીના મારા પૈસા છે. હું મારી મરજી પ્રમાણે જ વાપરીશ એવો હઠાગ્રહ નથી. એના માટે પોતાનું કુટુંબ એ જ સર્વસ્વ છે. પ્રેમ, સેવા, સમર્પણ થકી કૌટુંબિક જીવનને ધન્ય બનાવે છે. સોનિયાએ એનો બળાપો રજૂ કર્યો. બીજી તરફ મેહુલે પણ પોતાના વિચારો ઉગ્ર ભાવે પ્રગટ કર્યા. બંને બાજુની વિગતો તટસ્થ ભાવે સાંભળીને ઍડવોેકેટ કેતકી ત્રિવેદીએ કહ્યું:

'કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી. આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. તમારી સમસ્યાઓ એટલી ગંભીર નથી જેટલી તમે સમજો છે. તમે એકબીજાને વિધેયાત્મક રીતે જરા શાંતિથી સમજવાનો પ્રયત્ન કરો. કદાચ તમને શુભ પંથ મળી રહેશે. તમારા લગ્નજીવનની સમસ્યાઓનો ઉકેલ તમારા હાથમાં છે. દાંપત્ય જીવનની સમસ્યાનો અંત એટલે છૂટાછેડા… આ સાચો માર્ગ નથી. એકબીજાના મનને જીતવાનો પ્રયત્ન કરી જુઓ. સુખનું આકાશ મીટ માંડી રહ્યું છે…'

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (3)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article-by-dr-kalpana-dave-2/

No comments:

Post a Comment