Sunday, 26 January 2014

[Vijay Kudal] [VijayKudal] Good morning (Gujarati)

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Good morning (Gujarati)'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

સંઘર્ષમુક્તિનું અષ્ટક
 
ગુડ મોર્નિંગ – સૌરભ શાહ
 
સ્ટ્રગલ સિરીઝની પૂર્ણાહુતિરૂપે લખાતા આ લેખમાં થોડીક બાકી રહી ગયેલી વાતો કરી લેવાની છે. સંઘર્ષ કરનારાઓ ભલે માનતા હોય કે પોતાનું ધ્યાન પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત છે, પરંતુ વાસ્તવમાં એમની પાસે એકાગ્રતા નથી હોતી. વ્યક્તિના અંગત વિકાસ માટે એકાગ્રતાની શિસ્ત બહુ જરૂરી છે. એકાગ્રતા ન હોય તો તમારી પાસેના તમામ ગુણોનો કશો અર્થ નથી, કારણ કે વેરવિખેર થઈ ગયેલા કોઈ પણ સદ્ગુણો ક્યારેય શક્તિ બનીને તમને મદદરૂપ થઈ શકતા નથી. તમે જે કંઈ કરો તેમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ જાઓ ત્યારે જ એ પ્રવૃત્તિમાંથી ધાર્યું ફળ મળવાની શક્યતા સર્જાય; એટલું જ નહીં એકાગ્રતાને લીધે જ તમારી તમામ અંદરની શક્તિઓ એકઠી થઈને બહારની શક્તિઓને પણ તમારા તરફ ખેંચી લાવે.

પણ મર્કટ મનને ક્યારેય એકાગ્રતા સાથે બનતું નથી. એકસાથે અનેક દિશામાં વિચારવાથી કે અનેક દિશામાં કામ કરવાથી ક્યારેય એકાગ્રતા ન આવે. ખરેખર સફળ હોય એવી વ્યક્તિઓ ભલે એક કરતાં વધુ લક્ષ્યો એક જ તબક્કેે નક્કી કરી નાખે પણ યોજના એ લક્ષ્યોને વારાફરતી સર કરવાની જ બનાવવાના. એક પગથિયું સર થયા પછી જ બીજા પગથિયા પર પગ મૂકી શકીએ એવી તદ્દન સાવ સીધી વાત જેઓ સમજી શકતા નથી તેઓનું મન હંમેશાં એકાગ્રતાથી દૂર ભાગતું હોય છે. મનને એકાગ્ર બનાવવા તમને નજીકના કે બહારના લોકો તરફથી મદદ મળવાની નથી. તમે જિંદગીના કોઈ ખૂબ મહત્ત્વના નિર્ણયો વિશેના દરેક પાસા અંગે વિચારી રહ્યા હશો ત્યારે જ કોઈકનો ફોન આવશે, 'કેમ છો? બસ, ઘણા વખતથી વાત નહોતી થઈ એટલે થયું કે થોડાં ગપ્પાં મારીએ.' તમારા મનની એકાગ્રતાનો ભંગ થઈ રહ્યો છે એની જાણ ફોન કરવાવાળી નિર્દોષ વ્યક્તિને ન હોય એ સ્વાભાવિક છે. એમને જાણ કરવાની જવાબદારી તમારી, એવું કહીને કે, 'મને યાદ કરવા બદલ ખૂબ આભાર, પણ અત્યારે તમારી સાથે શાંતિથી વાત કરી શકું એમ નથી. આપણે કાલે નિરાંતે વાત કરીએ તો કેવું' અને કાલે તમારે સામેથી ફોન કરીને એમને સંતોષ થાય એ રીતે વાત જરૂર કરવાની, પણ તરતને તરત તમારી વિચારપ્રક્રિયાને ખોરવી દેવાની કોઈ જરૂર નથી. એકાગ્રતાથી જ વ્યક્તિ શક્તિશાળી બની શકે અને મનને તમામ ઉપાયો કરીને એકાગ્ર બનાવ્યું હશે તો જ સંઘર્ષમાંથી કાયમી છુટકારો મળશે.

જિંદગીની જરૂરિયાતો હદ બહારની વધારી દેવાથી સંઘર્ષ સામેની લડત નબળી પડી જાય છે. ઓછા સામાન સાથેની જિંદગીની મુસાફરી કેવી હળવીફૂલ હોય એનો અંદાજ જેમને એનો અનુભવ હોય એમને જ આવી શકે. સરળ જીવન જીવવાનું નક્કી કરી નાખ્યા પછી ચીજવસ્તુઓ, સંબંધો અને ઈચ્છાઓમાંથી જે કંઈ એક્સ્ટ્રા બૅગૅજ જેવું લાગે તેને હળવેકથી બાજુએ મૂકી દેવું અને આવી સાફસૂફીનું કામ માત્ર દિવાળી આવે ત્યારે જ કરીશું એવું મનમાં નહીં રાખવું.

મૂંઝવણોને ઉકેલ્યા વિના જીવવાથી એ વધારે ગૂંચવાઈ જવાની. વધતી પણ જવાની. કોઈ પણ વાતે ગૂંચ પડવાની શરૂઆત થાય તે પહેલાં જ એ ગૂંચને ટાળી શકો તો ઉત્તમ. ન ટાળી શકાય એમ હોય તો ગૂંચવણની ગાંઠ મજબૂત બની જાય તે પહેલાં જ એને ખોલી નાખવાની કોશિશ કરવી અને ન ખૂલી શકે એવી ગાંઠોને કાપીને એના છેડા ફરીથી સાંધી લેવા. આવી શિસ્ત વિના તમામ શક્તિઓ અટવાઈ જશે, સંઘર્ષ વધી જશે.

સ્ટ્રગલને પડતી મૂકવા જેવી અમૂલ્ય ભેટ વ્યક્તિ જો પોતાની જાતને આપી શકે તો એની આસપાસનાઓ માટે પણ ઘણી મોટી રાહત સર્જાય. સંઘર્ષની પરિસ્થિતિ વ્યક્તિએ જાતે ઊભી કરી લીધેલી હોય છે. સંઘર્ષ ક્યારેય સ્વાભાવિક નથી હોતો. કુદરતના નિયમોમાં ક્યાંય સંઘર્ષને સ્થાન નથી. સંઘર્ષમુક્તિની પ્રક્રિયાના ઉપસંહારરૂપે આ આઠ મુદ્દાઓ મનમાં કોતરી લેવાના.

૧. એક વ્યક્તિ માટે જે સંઘર્ષ છે તે બીજી વ્યક્તિ માટે નમ્ર પ્રયાસ પણ હોઈ શકે. કોઈ પણ બાબત અંગે પ્રયત્ન કરતી વખતે તમારી પોતાની માનસિકતા તમને શું કહે છે એના પર સંઘર્ષની હાજરી કે ગેરહાજરીનો આધાર છે. સંઘર્ષની લાગણી નકારાત્મક- નેગૅટિવ ભાવ ધરાવતી મનોદશા છે. સંઘર્ષથી છુટકારો મેળવવા એક સવાલ જાતને પૂછી લેવાનો: અત્યારે હું જે કંઈ કરવા ધારું છું કે મેળવવા ધારું છું તે માટેના મારા પ્રયત્નો વિશે મને કેવો ભાવ જાગે છે? અર્થાત્ આ પ્રયત્નો પાછળનું ચાલકબળ કોઈ નકારાત્મક લાગણીઓ છે કે પછી પોઝિટિવ ભાવનાથી પ્રેરાઈને આ કામ હું કરી રહ્યો/ કરી રહી છું?

શક્ય છે કે આવું પૂછ્યા પછી તમને લાગે કે તમારા સંજોગો વાસ્તવમાં કોઈ સ્ટ્રગલ છે જ નહીં અને ખૂબ જ સહેલાઈથી માનસિક અભિગમનનાં થોડાક જ ફેરફારો કરી નાખવાથી સંઘર્ષ એક સરળ પ્રયત્નમાં ફેરવાઈ જાય.

૨. તમે જે કંઈ કરવા ધારો છો તે જો તમારા ધાર્યા સમયે ન બની રહ્યું હોય તો પહેલાં જાતને પૂછી લેવું: શું તમે વધુ પડતી ઝડપે તો આગળ નથી વધી રહ્યા ને? કે પછી જોઈએ એના કરતાં ઓછી ગતિએ જઈ નથી રહ્યા ને. કોઈ પણ ઉમદા વિચાર કે કાર્ય જો એના યોગ્ય સમયે અમલમાં ન મુકાઈ શકે તો સંપૂર્ણ ધબડકો સર્જાઈ શકે. સામાન્ય રીતે, આપણે જે કંઈ ધારીએ છીએ કે આયોજન કરીએ છીએ એ કાર્યો આપણા ધારેલા સમય કરતાં થોડાંક મોડાં જ પરિપૂર્ણ થતાં હોય છે. એનું કારણ છે. આપણી વિચારવાની પ્રક્રિયા ઝડપી હોય છે અને એનું અમલીકરણ સ્વાભાવિક રીતે જ એટલી ઝડપથી નથી થવાનું હોતું. માટે જ, દરેક વિચારને સેવવો જોઈએ અને જે ઈંડાને સેવ્યા પછી મરઘીનું બચ્ચું ન નીકળવાનું હોય તે ઈંડાને સેવવાનું માંડી વાળવું જોઈએ. જેનું પરિણામ આવવાનું હોય એવા વિચારને સેવ્યા પછી એ મુખ્ય વિચારની આસપાસના તમામ આનુષંગિક વિચારોને એની સાથે ભેળવવા જોઈએ. ખાસ કરીને, તમારાં સપનાંઓને સાકાર કરવા, જ્યારે બીજી અલગ અલગ વ્યક્તિઓની જરૂર પડવાની હોય ત્યારે આ બધી તૈયારીઓ અનિવાર્ય બની જવાની. આ વ્યક્તિઓ તમારા વિચારોને સમજીને, સ્વીકારી શકે એ માટે એમને સમય આપવો પડે, તો જ એમને તમારો વિચાર એમના પોતાના મનની વાત છે એવું લાગે.

ક્યારેક તમે ઝડપભેર આગળ વધવાને બદલે ખૂબ મંદ ગતિએ જતા હો એવું પણ બને. આવા વખતે યાદ રાખવાનું કે કેટલાંક સપનાઓ જે સાકાર થવા માટે તમારી રાહ જોઈ રહ્યા છે તે કાયમ માટે તમારી રાહ જોઈને બેસી રહેવાનાં નથી. માટે વિલંબ કરવામાં ક્યાંક વધુ મોડું ન થઈ જાય એનું ધ્યાન રાખવું. ખૂબ મંદ ગતિએ આગળ વધતા હો ત્યારે એનું એક કારણ આળસ હોઈ શકે, અવઢવ હોઈ શકે કે કયો વિકલ્પ પસંદ કરવો અને ક્યારેક એવું પણ બને કે તમે જે વિકલ્પ લેવાનો નિર્ણય કરી લીધો હોય એ નિર્ણય વિશે તમને ક્યારેક ઊંડે ઊંડે શંકા હોય. જિંદગી આગળ વધતી રહે એવી ઈચ્છા હોય તો તકલીફો સાથે સામા માથે અથડાવવાની તૈયારી રાખવી પડે. રસ્તો ઉબડખાબડ હોય તો ગતિ ઓછી કરીને પણ એટલો ટુકડો પસાર કરી લેવાનો. એ વખતે ઝડપ વધારવાથી તકલીફો વધશે અને આવી તકલીફોથી ગભરાઈને બીજા રસ્તે જવાની દિશા પકડી લેવાથી કોઈક ને કોઈક સ્થળે તો તમે પહોંચવાના જ પણ એ તમારું લક્ષ્ય નહીં હોય, 

એ તમારા સપનાની મંઝિલ નહીં હોય. કપરા સંજોગોથી સતત ડરતા રહીને એની સામે માથું ઝુકાવી દેવાની વાણિયાગીરી દાખવવાને બદલે તમારા લોહીમાંના ક્ષત્રિયત્વનો પરચો બતાવવાની તૈયારી રાખવાની. આવું કરતી વખતે કશુંક ગુમાવવું પણ પડે. ઘણું બધું મેળવવાનું હોય ત્યારે આવી તૈયારી રાખવાની.

૩. સાત અબજ માણસો છે આ દુનિયામાં. તમે જેના સેનાપતિ છો એ તમારી જિંદગીના લશ્કરમાં આમાંથી કેટલાકની પસંદગી કરીને તમારે એમને ભરતી કરવાના છે. મોટા ભાગના ગેરલાયક નીવડશે અને કેટલાક એવા હશે જેઓ પોતે પોતાનું સૈન્ય ઊભું કરવાની પળોજણમાં હશે એટલે ઈચ્છા હોવા છતાં તમને મદદ નહીં કરી શકે, પણ કેટલીક વ્યક્તિઓ એવી જરૂર મળી આવશે જે સો ટકા તમને ઉપયોગી થાય. સ્ટ્રગલમાંથી મુક્ત થવા માટે બીજાઓની મદદ મળતી હોય તો તે સ્વીકારી લેવાની તૈયારી રાખવાની અને આ બીજાઓની પસંદગી તમારે પોતે કરવાની. અત્યારે તમારી નજીક જે લોકો છે એમાંથી જ તમને મદદ મળી શકે એ જરૂરી નથી. થોડુંક લાંબું વિચારવાથી આ વ્યક્તિઓ ઉપરાંતની બીજી ઘણી વ્યક્તિઓની દીર્ઘ યાદી તમે બનાવી શકશો. તમને અનુકૂળ ન હોય એવી વ્યક્તિઓને તમારા લશ્કરમાંથી રુખસદ આપતાં શરમાવું નહીં. તેઓ જશે તો જ બીજી યોગ્ય વ્યક્તિઓની ભરતી થઈ શકશે.

૪. પૂરતો વિચાર કર્યા વિના કોઈ પણ કાર્યમાં ઝંપલાવી દેવાથી સંઘર્ષ સર્જાવાનો જ. નોકરીમાં ન ફાવતું હોય તો ધંધો કરવો અનિવાર્ય નથી. કોઈક વ્યક્તિ ગમતી હોય તો જરૂરી નથી કે એની સાથે લગ્ન કરી લેવાં. જે કંઈ કરવું હોય તેની આગળપાછળના તમામ સંજોગો વિશે સો વાર વિચાર કરી લીધા પછી જ એને અમલમાં મૂકવાનો પ્રયત્ન થાય તો એ પ્રયત્ન જ સફળ થાય અને ક્યારેય એ પ્રયત્નો સંઘર્ષમાં ન પલટાય.

૫. જે મેળવવાનું નક્કી કર્યું છે તેની તમને ખરેખર જરૂર છે? અને જો એનો જવાબ હામાં હોય તો, શું એ મેળવવાની પાત્રતા અને પ્રતિબદ્ધતા તમારામાં છે? આ સવાલો પૂછ્યા વિના અને એના પ્રામાણિક જવાબો મેળવ્યા વિના કામ શરૂ કરી દેવાથી શક્તિઓ વેડફાઈને સંઘર્ષમાં પલટાઈ જવાની. એક વાત યાદ રાખવાની કે જીવનમાં દરેક વળાંકે તમારા માટે બિલકુલ ઉપયોગી નહીં હોય એવા અનેક વિકલ્પો તમને દેખાવાના. દરેક વળાંકે આવા વિકલ્પોને ઓળખીને એને 'ના' કહેતાં શીખવાનું. નવો સંબંધ હોય કે કોઈ નવો પ્રોજેક્ટ, એમાં પ્રવેશતાં પહેલાં જ તમને જો એ અનુકૂળ નહીં આવે તો તમે એમાંથી ઓછામાં ઓછા ઉઝરડા સાથે બહાર કેવી રીતે નીકળી શકો એ વિશેનો વિચાર કરી લેવાનો.

૬. સ્ટ્રગલમુક્તિ માટે જડસુ, બંધિયાર અને પૂર્વગ્રહયુક્ત મગજને છોડવું પડે. આ આમ જ હોવું જોઈએ એવા જડબેસલાક અભિપ્રાયોને થોડાક ફ્લેક્સિબલ બનાવી લેવા પડે. આનો અર્થ એ થયો કે તમારે તમારી જાતમાં સુધારાવધારા થતા હોય તો તે માર્ગે તૈયાર રહેવું પડે. કોઈ પણ કામ કરવાનો કોઈ એકમાત્ર માર્ગ નથી હોતો. તમે જે માર્ગ તમારો ધારેલો નિર્ણય અમલમાં મૂકવા માગતા હો એના કરતાં બીજા માર્ગે પણ એનો અમલ કરી શકો એવી શક્યતા હોવાની જ, પણ એ શક્યતા તમને ત્યારે જ જડે જ્યારે તમારું મગજ બંધિયાર ન હોય. તમારા પોતાના આગ્રહો, અભિપ્રાયો અને મત વિશે ફરી એક વાર વિચારી જુઓ. શું એ ક્યારેય બદલી ન શકાય એવા જડબેસલાક બની ગયા છે? તમારી જાતને આરોપીના પાંજરામાં મૂકીને તમે જ ફરિયાદીના વકીલ બની જાઓ અને ઊલટતપાસ શરૂ કરો. ઘણું બધું નવું જાણવાનું મળશે તમને તમારા વિશે.

૭. સાવ નાની વાત છે. તમને તમારી અત્યારની પરિસ્થિતિથી સંતોષ છે? હા. તો કોઈ પ્રૉબ્લેમ જ નથી અને ના, તો બદલી નાખો. તમે તમારી પોતાની પરિસ્થિતિને બદલવાનું શરૂ નહીં કરો તો બીજું કોણ કરશે આ કામ? અણગમતી પરિસ્થિતિમાં પડ્યાપાથર્યા રહેવાથી સંઘર્ષો સર્જાતા જ રહેવાના.

૮. છેલ્લી વાત. તમે જિંદગીમાં જે કંઈ કરો છો એના પર તમારો કાબૂ કેટલો છે? બ્રેક ફેઈલ ગઈ હોય એમ તમે પાગલની ઝડપે ધસમસતા આગળ વધી રહ્યા છો? કોઈક બીજાએ તમારું સ્ટિયરિંગ પોતાના હાથમાં લઈ લીધું છે? જો હા, તો આવું શા માટે બને છે? તમારામાં પૂરતી શક્તિ નથી એટલે? કે પછી બીજાને તમારું સુકાન સોંપીને તમે જવાબદારીમાંથી છટકી જવા માગો છો? સંઘર્ષમુક્તિ માટે આ સવાલના જવાબ નિરાંતે વિચાર કરીને મેળવી લેજો.

આ સાથે સંઘર્ષપુરાણ પૂરું થયું.

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-good-morning-gujarati-2/

No comments:

Post a Comment