Monday 27 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati article by Shri Morari Bapu

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati article by Shri Morari Bapu'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

વૃત્તિ પરિવર્તનની સિદ્ધિ સાધુ સંગથી પ્રાપ્ત થાય છે
વૃત્તિ પરિવર્તનની સિદ્ધિ સાધુ સંગથી પ્રાપ્ત થાય છે
મોરારિબાપુ
આપણી બુદ્ધિમાં બેસે એવી સિદ્ધિઓની મારે વાત કરવી છે
 
હું ઘણા સમયથી બોલ્યા કરું છું કે સિદ્ધિ કરતાં મારી દૃષ્ટિએ શુદ્ધિનું વધારે મહત્ત્વ છે. આપણે ત્યાં અષ્ટસિદ્ધિની વાત છે. જેનો હું ઇન્કાર કરીશ નહીં. જે આપણે સ્વીકારવી જ રહી પણ હાલના સમય પ્રમાણે આપણને સમજાય, આપણી બુદ્ધિમાં બેસે એવી સિદ્ધિઓની મારે વાત કરવી છે. આમાં કોઇ ચમત્કારની વાત નથી. આપણે ત્યાં ઘણાને દૂરદર્શનની સિદ્ધિ હોય છે. દૂરદર્શનની સિદ્ધિવાળા લોકો દૂરનું બધું જ જોઇ શકે છે. ગમે તેવી ગુફામાં બેઠા હોય પણ આંખ બંધ કરે એટલે અમેરિકામાં શું થાય છે એ જોઇ શકે છે.

શ્રી હનુમાનજી પાસે બધું જ છે પણ રામચરિતમાનસમાં દૂરદર્શનની સિદ્ધિ ઘાયલ ગીધ પાસે હતી. બીજું કે સંપાતિ પાસે પણ હતી. સંપાતિ સમુદ્રને કિનારે ગુફામાં બેઠા બેઠા લંકાની અશોક વાટિકામાં બેઠેલાં જાનકીને જોઇ શકતો હતો. હવે વિચાર કરો કે સંપાતિ જ્યાં બેઠો હતો ત્યાંથી લંકા વચ્ચેનો સમુદ્ર ચારસો ગાઉનો હતો, તેમ છતાં સિદ્ધિના કારણે જાનકીનું દર્શન થતું હતું. પણ મારે આ સિદ્ધિ વિશેની વાત કરીને એટલું જ કહેવું છે કે આ સિદ્ધિ માટે બહુ મહેનત કરવાની જરૂર નથી. આજે વિજ્ઞાને દરેક ઘરમાં સિદ્ધિ આપી દીધી છે. થોડા રૂપિયા ખર્ચીને ઘરમાં ટીવી લાવી નાખો એટલે તરત જ વિશ્વમાં શું થઇ રહ્યું છે તેની ખબર પડી જાય છે. વિજ્ઞાને આજે સિદ્ધિને રમકડામાં ફેરવી દીધી છે. ગમે ત્યાં જાવ નાના એવા છોકરાના હાથમાં મોબાઇલ જોવા મળે છે. સારી વાત છે પણ એનો ખોટો ઉપયોગ ન થાય એની જવાબદારી સંતાનનાં માતા-પિતાની છે. આજ તો છોકરા બધું જ કામ મોબાઇલમાં કરતા થયા છે.

પેલા ખાલી એસ.એમ.એસ. થતાં ધીરે ધીરે ફેસબુક આવી. ત્યાર પછી વોટ્સેપનો ઉપયોગ થવા લાગ્યો. એક મિનિટમાં અમેરિકાથી અહીંયાં ફોટો આવી જાય. વીડિયો આવી જાય. આ આપણી સિદ્ધિ નથી તો શું છે? હા એનો ખોટો પ્રયોગ થશે તો મોટું નુકસાન થશે માટે વિજ્ઞાનનો ઉપયોગ પણ સમજીને થવો જોઇએ. બીજી સિદ્ધિ દૂરશ્રવણની છે. દૂરની વાત સંભળાય છે આ સિદ્ધિમાં તમે ઇલેક્ટ્રિકથી ચાલતાં બધાં જ જેવાં કે મોબાઇલ, રેડિયો, ટીવી જેવાં બધાં જ સાધનનો સમાવેશ કરી શકો છો. આજના પ્રવર્તમાન સમયમાં ત્રીજી સિદ્ધિ શરીર પરિવર્તનની છે. જેને બહુરૂપ સિદ્ધિ માનવામાં આવે છે. આમ તો આ બધી સિદ્ધિઓમાં મારી રુચિ નથી પણ આ વિદ્યાને હું માનું છું માટે યાદ કરું છું. મારી તો સમાજના દરેક વ્યક્તિને પ્રાર્થના છે કે વિદ્યાને ક્યારેય કોઇ કળામાં પરિવર્તિ‌ત ન કરવી, બને તો કળાને વિદ્યામાં પરિવર્તિ‌ત કરવી. કળાનો અર્થ માણસની હોશિયારી થાય છે.

શ્રી હનુમાનજીએ તો ઘણાં રૂપ લીધાં છે. બધાનું ભલું કરવા તથા સેવા કરવા માટે થઇને જ્યારે આપણે બીજાનું ખરાબ કરવાના ઇરાદે આપણું રૂપ બદલતા હોઇએ છીએ. રામચરિતમાનસમાં પરામ્બા આદિશક્તિ જગદંબા, ભવાની વનમાં સીતાજીનું રૂપ લઇને રામ પાસે ગયાં. વિચાર કરો આખું શરીર ભવાનીએ બદલી નાખ્યું છે. આને એક સિદ્ધિ કહેવાય છે. માણસ બીજાના જેવો થઇ જાય એ પણ એક સિદ્ધિ જ છે. આજે તો વિજ્ઞાને એ પણ બહુ કરવાની જરૂર રહેવા દીધી નથી. આજે ઘણા માણસો ચહેરા ઉપર પ્લાસ્ટિક સર્જરી કરાવીને ચહેરાનો આકાર બદલી નાખતા હોય છે. બીજા જેવો કરાવી નાખે છે. મારે તમને એટલું જ કહેવું છે કે કદાચ વિજ્ઞાનના આધારે વેશપરિવર્તન ચહેરાનું પરિવર્તન થઇ શકે છે પણ આપણી ભીતરી વૃત્તિ અને વર્તનનું પરિવર્તન થતું નથી. વ્યક્તિનો સ્વર બદલાતો નથી.

વ્યક્તિ કદાચ ચહેરાથી ન પકડાય પણ એના વર્તન અને સ્વરથી પકડાઇ જાય છે. મારે એક બીજી પણ વાત કહેવી છે કે માણસમાં રૂપ પરિવર્તનની સિદ્ધિ હોય પણ વૃત્તિ પરિવર્તનની સિદ્ધિ તો કોઇ સંતનો સંગ જ કરાવે છે. જીવનમાં સાધુસંગ વગર વર્તનમાં શુદ્ધિ, સ્વભાવમાં શુદ્ધિ મુશ્કેલ છે. ચોથા પ્રકારની સિદ્ધિનું નામ વચનસિદ્ધિ છે. માણસ બોલે એવું જ થાય એ વચનસિદ્ધ છે. એક સમય આપણે ત્યાં એવો હતો કે સાધુઓ સાધનાસંપન્ન મહાપુરુષો માણસના શરીરને કંઇક અંગની ઓછપ હોય અથવા તો માણસે અપંગતા પ્રાપ્ત કરી હોય એવા વ્યક્તિને સાધુઓ પોતાની સાધના દ્વારા અંગો આપી શકતા. કદાચ આજના સમયમાં કોઇને પગ નથી તો એના માટે થઇને પલાંઠીવાળીને સિદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર નથી.

પગ નથી તો એને કોઇ સારી હોસ્પિટલમાં મોકલી દો. આજે વિજ્ઞાન બધું જ કરી શકે છે. જીવનમાં થોડી તો રાહત પ્રાપ્ત થશે. આપણે ત્યાં તો કુષ્ઠરોગ નિવારણનાં કેન્દ્રો પણ શરૂ થયાં છે. વિશ્વવંદનીય મહાત્મા ગાંધીબાપુએ સ્વયં જાતે સેવાગ્રામમાં કુષ્ઠરોગીઓની સેવા કરી છે પણ હવે આપણે આટલી બધી મહેનત કરવી પડશે નહીં. તેમ છતાં મારી રુચિ સિદ્ધિ કરતાં શુદ્ધિમાં વધારે છે. મારા મનમાં સિદ્ધિ કરતાં શુદ્ધિ શબ્દ વધારે બેસે છે અને તમે બધા વિચારજો કે આજે સમગ્ર વિશ્વને સિદ્ધિની વધારે જરૂર છે કે શુદ્ધિની વધારે જરૂર છે. મારું તો માનવું છે કે ગામડાનો એક સાવ ભોળો માણસ જેની શુદ્ધતા જ એની સાચી સિદ્ધિઓ છે. મને ગામડાનો માણસ વધારે ગમે. કારણ કે રાત્રે એ વાદળને જોતા જોતા સૂઇ જાય એટલે એનામાં ઉદારતા અવશ્ય આવે છે. આનો કોઇ ખોટો અર્થ ન કરે કે મને શહેરીજનો પસંદ નથી પણ મને મારા પ્રદેશના ગામડાનો માણસ વધારે ગમે કારણ કે એને કોઇથી કાંઇ લેવાદેવા નથી.

બજારમાં તેજી છે કે મંદી, શેરબજારનો પારો ઉપર ગયો કે નીચે. એ તો પોતાની આગવી મસ્તીમાં કોઇપણ ચિંતા વગર જીવન જીવતો હોય છે માટે મને વધારે ગમે છે. કમાય થોડું પણ આનંદ વધારે કરે. જ્યારે મોટાં નગરોમાં લોકો અર્થોપાર્જન વધારે કરે છે પણ જીવન બિલકુલ નિરસ જીવે છે. એનું એક કારણ છે કે આપણે આપણી ઉદારતા મૂકતા ચૂકી જઇએ છીએ. આપણી સંસ્કૃતિને ભૂલતા જઇએ છીએ માટે વધારે દુ:ખી થઇએ છીએ. તો જેને સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય અથવા તો મનોકામના પૂર્ણ કરવી હોય એવા વ્યક્તિઓએ સૌ પ્રથમ જીવનમાંથી કપટ છોડી દેવું પડશે, કપટને ત્યજીને હરિની કથાનું અથવા હરિભજનનું નામ કરવું પડશે. હરિકથા એટલે પરમતત્ત્વની કથાની વાત છે. છેલ્લે સિદ્ધિ અને શુદ્ધિ વિશે એટલું જ કહીશ કે સિદ્ધિમાં લાલસા પેદા થાય છે. જ્યારે શુદ્ધિમાં લાલસા પેદા થતી નથી. આપણા જીવનમાં પણ વધારે શુદ્ધિનો આગ્રહ રાખીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારું જીવન શુદ્ધિમાં રહે. ખોટી લાલચો હેરાન ન કરે તેવી અમારી ઉપર કૃપા કરજો. '
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

મોરારિબાપુ
rameshwardashariyani@gmail.com

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article-by-shri-morari-bapu/

No comments:

Post a Comment