Monday, 13 January 2014

[Vijay Kudal] [VijayKudal] Good Morning (Gujarati)

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Good Morning (Gujarati)'

 

Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.

અધૂરપ, વિશ્ર્વાસ અને જનરલ નૉલેજ
ગુડ મોર્નિંગ – સૌરભ શાહ
કમ્પલીટ મૅન કે કમ્પલીટ વુમન એક મિથ છે. ઈન્કમ્પલીટ મૅન કે ઈન્કમ્પલીટ વુમન વાસ્તવિકતા છે. માણસના સ્વભાવમાં, એના વ્યક્તિત્વમાં પરફેક્શન ક્યારેય નથી હોતું. કયાંક કોઈક પાસામાં કશુંક ખૂટતું જરૂર હોવાનું. માણસોની આ અધૂરપનો મહિમા કરવા જેવો છે. અધૂરાપણાને વગોવ્યા કરવાથી અને પૂર્ણતાનો આગ્રહ રાખ્યા કરવાથી જે કંઈ મળ્યું છે તેનો આનંદ લેવાનું, એમાંથી સંતોષ મેળવવાનું ચૂકી જઈએ છીએ.

માણસમાં કશુંક નથી હોતું ત્યારે જ એ એની શોધ પોતાનામાં કે બીજાઓમાં કરે છે. એની આ શોધયાત્રા એના વ્યક્તિત્વની વિકાસયાત્રા બની જાય છે. પોતાની અધૂરપ વિશેનો અહેસાસ જેનામાં વધુ છે એના માટે આવી યાત્રાઓ વધુ ફળદાયી બનવાની. આવી યાત્રાઓ કરી લીધા પછી એની અધૂરપો ઓછી થશે, મટી નહીં જાય, માણસ સંપૂર્ણ નહીં બની જાય. જે ઘડીએ માણસને લાગ્યું કે એની તમામ અધૂરપો મટી ગઈ છે, પોતે સંપૂર્ણ બની ગયો છે તે ઘડીએ એનું માનસિક મૃત્યુ નિશ્ર્ચિત.

જિંદગીમાં કશુંક ખૂટતું રહે ત્યારે જ જીવવાની મઝા આવે છે. બધું જ સતત મળતું રહે એ કોઈ કાળે શક્ય નથી અને ધારો કે કોઈકના માટે એ શક્ય બન્યું તો એ શું કરશે પોતાની અધૂરપ વિનાની જિંદગીનું? કંઈ દિશામાં આગળ વધશે? કંઈ સંપૂર્ણતાનું નિશાન તાકશે એ?

પોતાને સંપૂર્ણ માનતા કે પોતે પૂરેપૂરું પ્રાપ્ત કરી ચૂક્યા હોવાની ખાતરી રાખતા લોકો ભારેખમ થઈ જાય છે અને આ ભારમાં એમના વ્યક્તિત્વની કુમાશ ડૂબી જાય છે. અધૂરા હોવાનો અહેસાસ લઈને ચાલતા માણસો હળવાફૂલ બનીને ધરતી પર પગ રાખીને ચાલી શકે છે.

* * *

કોઈપણ વ્યક્તિ પ્રત્યેનો વિશ્ર્વાસ એના આપવાથી આપણામાં નથી જન્મતો. વિશ્ર્વાસ આપણા મનમાં ઊગતો હોય છે. તમારે મારા પર વિશ્ર્વાસ રાખવો જોઈએ એવું કોઈ કહે ત્યારે એમના કહેવાથી તમને એમના પર વિશ્ર્વાસ જન્મે એ જરૂરી નથી. કોઈ તમને એવું ક્યારેય ન કહે તો એને લીધે તમે એનામાં અવિશ્ર્વાસ ધરાવતા થઈ જાઓ એ પણ જરૂરી નથી.

કોઈના પર વિશ્ર્વાસ હોવો કે ન હોવો એનો તમામ આધાર સામેની વ્યક્તિ પર નથી, તમારા પોતાના પર છે. તમારામાં કોઈને વિશ્ર્વાસ હોય કે ન હોય એનો આધાર તમારું એની સાથેનું વર્તન કે તમારા એના માટેના વિચારો નથી હોતા. પણ એ વ્યક્તિ પોતે એનું પોતાનું મનોજગત આ માટે જવાબદાર હોય છે.

સામેની વ્યક્તિ તમારા માટે ગમે એટલું કરી છૂટે છતાં તમને એનામાં વિશ્ર્વાસ ન બેસે એ શક્ય છે. સામેની વ્યક્તિ માટે તમે ગમે એટલું નકારાત્મક વિચારો તે છતાં તમારા માટેનો એનો વિશ્ર્વાસ ન તૂટે એ પણ શક્ય છે.

કોઈના વિશ્ર્વાસપાત્ર બનવાના ધમપછાડા કરવાને બદલે માણસ પોતે જે કરવું છે તે જ કર્યા કરે એ ઈષ્ટ છે. એને કારણે કોઈને તમારા પર વિશ્ર્વાસ બેસે તો સારી વાત છે, ન બેસે તો એ એનો પ્રૅાબ્લેમ છે. કોઈ તમારી સાથે ગમે એટલી સારી રીતે વર્તે છતાં તમને એનામાં ભરોસો મૂકવાનું મન ન થાય તો એવી લાગણીઓમાં કશું ખોટું નથી, કારણ કે વિશ્ર્વાસનુું કોઈ ગણિત નથી, એનું કોઈ સમીકરણ હોતું નથી, એની કોઈ તૈયાર ફૉર્મ્યુલા નથી.

રાતોરાત જન્મતો વિશ્ર્વાસ એકાએક તૂટી શકે છે. ધીમે તાપે શેકાઈને પરિપકવ થતા વિશ્ર્વાસમાં તડ પડવાની સંભાવના ખૂબ ઓછી હોય છે. આપણામાં કેટલાને વિશ્ર્વાસ છે એની ગણતરી કરવા કરતાં આપણને કેટલા લોકોમાં વિશ્ર્વાસ છે એની યાદી મનને વધારે શાતા આપે છે.

* * *

દક્ષિણ કોરિયાની રાજધાની કઈ એની તમને ખબર હોય તો તમારી પાસે જનરલ નૉલેજ છે એવું કહી શકાય? ના. તમારી પાસે જનરલ ઈન્ફર્મેશન છે. ઉમાશંકર જોશી લિખિત તમામ કાવ્યસંગ્રહોની યાદી જ નહીં બલ્કે એમના તમામ કાવ્યો તમને મોઢે હોય તો તમારી પાસે એમના સાહિત્યનું જનરલ નૉલેજ છે એવું કહેવું અયોગ્ય ગણાશે, તમારી પાસે એટલી જનરલ ઈન્ફર્મેશન છે એવું જરૂર કહી શકાય. ઉમાશંકરની કવિતાની ખૂબીઓ વિશે તમે પચાસ મિનિટનું વક્તવ્ય આપી શકો કે એ વિષય એક દીર્ઘ લેખ જેવી પરિચય પુસ્તિકા લખી શકો તો તમારી પાસે એટલું જનરલ નૉલેજ છે એવું કહી શકાય. સચિન તેન્ડુલકરે નિવૃત્તિ લેતાં પહેલાં કઈ મૅચમાં કેટલા રન કર્યા, કેટલી ફોર મારી, કેટલી સિક્સર અને કેટલી

સેન્ચુરી મારી કે કેટલી વિકેટ લીધી એની માહિતીના આંકડા તમને મોઢે હોય તો તે જનરલ ઈન્ફર્મેશન છે. અને 'સચિન તેન્ડુલકરની ક્રિકેટકળાની ખૂબીઓ તથા ખામીઓ: સુનીલ ગાવસ્કર તથા ડૉન બ્રૅડમૅનની તુલનામાં' વિષય પર તમે અધિકારપૂર્વક ઊંડાણથી બોલી શકો તો એ તમારું જનરલ નૉલેજ.

જનરલ નૉલેજ (જી.કે.) અને જનરલ ઈન્ફર્મેશન વચ્ચેનો ભેદ સમજ્યા વગર જ આપણે જીકે- જીકેનાં મંજિરાં વગાડીને માહિતીની બોલબાલા કરીએ છીએ. આ માહિતીનો યુગ છે, માહિતી વિના કોઈને ચાલશે નહીં, માહિતી જ અંતિમ શક્તિ છે, અંતિમ શસ્ત્ર છે એવો પોપટપાઠ કર્યા કરતા લોકો એક દિવસ આ જ માહિતીના ઉકરડામાં દટાઇને દમ તોડવાના છે. દરેક માહિતી દરેકેદરેકને ઉપયોગી નથી હોતી- માહિતીની બાબતનો આ સુવર્ણ નિયમ હોવો જોઈએ. ઑસ્ટ્રેલિયા મેલબોર્ન શહેરના ઍરપોર્ટની આસપાસની ત્રીસ કિલોમીટર ત્રિજ્યાની ભૂમિની ટોપોગ્રાફી કેવી છે એની માહિતી મારા કે તમારા માટે કંઈ કામની નથી. ઈન્ટરનૅશનલ ફ્લાઈટની કૉકપીટમાં બેસનારાઓ માટે આ માહિતી અનિવાર્ય છે.

માહિતીના ઢગલાઓ ખડક્યા કરવાથી કોઈનો કશો જ ઉધ્ધાર થતો નથી. ગૂગલ સર્ચ કરશો તો માહિતીનો ઘણો મોટો ખજાનો મળશે પણ એ માહિતીને મૂલવવી કેવી રીતે એ વિશેની જાણકારી બહુ ઓછી મળશે. છાપાઓમાં લખાતાં લેખો- કૉલમોમાં કે પ્રવચનોમાં તમે આ ઉછીની માહિતી કે ઉછીના દૃષ્ટિકોણથી તમે લોકોનું મનોરંજન કરી શકો અને પોતાની વિદ્વતા સ્થપાવાનો ભ્રમ પણ ઊભો કરી શકો. છાપાં ઉપરાંત ટીવી, ઈન્ટરનેટ, પુસ્તકો, સામયિકો દ્વારા માહિતીનો નાયગ્રા નિરંતર ઠલવાતો રહે છે. તમારા માટે કઈ માહિતીની જરૂર છે અને કઇ નહીં તેનો ખ્યાલ ઘણાને નથી હોતો. દર અડધો કલાકે કશુંક ને કશુંક પેટમાં પધરાવ્યા કરતા ખાઉધરાઓની જેમ તેઓ આખો વખત માહિતી ખા ખા કરે છે. છેવટે તેમને માહિતીનો બંધકોશ થઈ જાય છે. ધીમે ધીમે જ્ઞાન માટેની એમની પાચનશક્તિ પણ મંદ પડી જાય છે.

માહિતી હોવી જોઈએ માણસ પાસે. ખપપૂરતી અને ક્યારેક ભવિષ્યમાં કામ આવે એવી. પણ કઈ માહિતી ક્યારે મેળવવી અને એમાંથી કેટલી ક્યાં સુધી સંઘરી રાખવી એ માટેની વિવેકબુદ્ધિ બધામાં નથી હોતી. આવતા વર્ષે દિવાળી અને બેસતું વર્ષ અંગ્રેજી કૅલેન્ડરની કઈ તારીખે આવે છે એની માહિતી આજની તારીખે મારા તમારા માટે કામની નથી, આવતા વર્ષે.

સપ્ટેમ્બર- ઑકટોબરમાં કામની હશે. પણ કોઈ હોટેલિયર કે ટૂર ઑપરેટર માટે આ માહિતી આજથી ઉપયોગી છે.

માહિતીના ખડકલાને જનરલ નૉલેજ માની લીધા પછી સૌથી મોટું નુકસાન માણસની જ્ઞાનપિપાસાને થાય છે. એ માનવા માંડે છે કે પોતાની પાસે ખૂબ બધી માહિતીનો ભંડાર છે એટલે પોતે જ્ઞાની થઈ ગયો. જેની પાસે માહિતીનો ભંડાર છે અને જેની પાસે થોડુંક જ્ઞાન છે એ બંને વચ્ચે એટલો જ ફરક છે જેટલો ફરક મમરાની ગૂણ અને બદામની પોટલી વચ્ચે છે.


__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (8)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-good-morning-gujarati/

No comments:

Post a Comment