Saturday, 11 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati article…

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati article…'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

મતદાતા સાવિત્રીબાલા
ટૂંકી વાર્તા – મૂળ લેખક: બનફૂલ
મારા પતિ ભિખારીને જેમ મરણ પામ્યા, એક પુત્ર ગુંડો બની છરો ખાઈ મર્યો, બીજો પુત્ર ક્ષયમાં મર્યો, ત્યારે તમે મદદ કરવા ન આવ્યા, હવે કયા હિસાબે મત માગવા આવ્યા છો?
 
તેનું નામ જરા વિચિત્ર જાતનું હતું. રિપુનાશ. તેના મોટાભાઈનું નામ હતું તમોનાશ. પણ કાળની દશા કંઈક એવી જ છે કે તેઓ કોઈનું કશું જ નાશ કરી શક્યા નહોતા. પોતે જ નષ્ટ થઈ ગયા હતા. તમોનાશના જીવનમાં જરાયે પ્રકાશ પ્રવેશ્યો નહોતો. અ. આ. ક. ખ. પણ પૂરાં શીખી શક્યો નહોતો. સાવ જ અભણ હતો. બ્રાહ્મણના દીકરાઓ હતા તેથી જ બંનેનાં સંસ્કૃત નામ પડ્યાં હતાં. તેમના પિતા હતા પાઠશાળાના પંડિત મોહનાશ તર્કતીર્થ. લોકો ટૂંકાવીને કહેતા મોહન પંડિત. સમાજમાં આજકાલ સંસ્કૃત પંડિતોની કદર નથી. તેઓ અતિશય ગરીબ હતા. 

ક્યારેક ગોરપદું પણ કરતા. તેઓ ગુજરી ગયા ત્યારે તમોનાશની ઉંમર હતી છ વર્ષ, રિપુનાશની ત્રણ વર્ષ. તેમની મા રસોયણનું કામ કરી ઘરસંસાર ચલાવતી. તમોનાશની ઉંમર જ્યારે સોળ થઈ ત્યારથી જ એ એકદમ મસ્તાન બની ગયો. દિવસ આખો 

મસ્તી કર્યા કરતો. એ એક ગુંડાની ટોળીમાં સામેલ હતો. એ ટોળીમાં એનું નામ હતું તમનાં. ગુંડાગીરી કરી એ થોડુંક રળતો. થોડાક રૂપિયા માને પણ 

દેતો. થોડા રૂપિયા પોતાના મોજશોખ માટે ખર્ચતો, પણ આ જાતની જિંદગી એ વધુ દિવસ ચલાવી શક્યો નહિ. 

ગુંડાગીરી કરતાં કરતાં જ કોઈકની છરીનો ભોગ બની માર્યો ગયો. એક દિવસ એનું શબ થોડી વાર તો ફૂટપાથ પર પડી રહ્યું. એ પછી પોલીસ દ્વારા એ મરણોત્તર તપાસ માટે શબઘરમાં લઈ જવાયો. દાકતરોએ એ શબની ચીરફાડ કરી. અંતે ડોમલોકોને આપી દીધું. તમોનાશની માએ પોતાના મૃત પુત્રની લાશનો પછી દાવો કર્યો નહિ, કારણકે લોકોને ભેગા કરી શબને અગ્નિદાહ કરવા માટે જે રૂપિયા ખર્ચ થાત એ એની પાસે નહોતા.

આમેય કરજ ખૂબ વધી ગયું હતું. હવે વધુ કરજ કરવાની એને ઈચ્છા થઈ નહિ. ડોમલોકોએ તમોનાશના શરીરનાં હાડકાં બહાર કાઢી સાફ કર્યાં અને તેને 'એનેટોમી'ના શરીરશાસ્ત્રના વિદ્યાર્થીઓને વેચી થોડા પૈસાની કમાણી કરી લીધી. અહીં જ તમોનાશનું જીવનવૃત્તાંત પૂરું થયું.

તમોનાશની મા સાવિત્રી એવું બધું કંઈ રડી પણ નહિ. એના ચહેરા પર એક પ્રચ્છન્ન આગ કેવળ ધગધગ કરી જલતી. તેને વાચા નહોતી, તે દૃશ્ય પણ નહોતી, છતાં દારુણ હતી. સાવિત્રી જેને ઘેર રસોયણ હતી એ સજ્જને તમોનાશના મૃત્યુ પછી સાવિત્રીને બે રૂપિયા પગાર વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, સાવિત્રી માની નહિ. ટૂંકમાં કેવળ કહ્યું હતું, "જરૂર નથી.

રિપુનાશ રસ્તાઓ પર રઝળતો ફરતો. જેમને ઘરમાં સ્થાન ન હોય, જેઓ રસ્તે રખડી જીવન વિતાવે, જે કોઈ પણ મજા, જે કંઈ રસ્તામાં ચાલતી ધાંધલધમાલ, કોઈ પણ મોટર અકસ્માત, કોઈ પણ કારણસર થતી રસ્તા પરની ભીડ જેમને આકર્ષે તેઓ બધાં રિપુનાશના સાથીદારો. એની ટોળીમાં એનું નામ હતું રિપુના. એ જોકે તેમના જેવો બલિષ્ઠ નહોતો. ચહેરો દૂબળો પાતળો. બજારમાં અમસ્તો ઘૂમતો ફરતો. 

મજૂરી કરી કંઈક રોજગાર કરતો. બીડી પીતાં શીખી ગયો હતો. રોજ એક બંડલ બીડી ખરીદ્યા પછી જે કંઈ બચતું તે માને લાવી દેતો. એમ જ દિવસો વીતતા જતા હતા. રિપુનની ઉંમર જ્યારે સોળ સત્તરની થઈ હશે ત્યાં અચાનક એક ભયંકર બનાવ બન્યો. એ એક ટોપલો કોબી ઊંચકી લાવી એક મોટરવાળા શેઠની મોટરનાં કેરિયરમાં ગોઠવીને મૂકતો હતો, એવામાં એના ગળામાં કંઈક જાણે ખજવાળ જેવું લાગ્યું. 

મોટરવાળા શેઠ તેની મજૂરીના બાર આના દઈને ચાલ્યા ગયા. રિપનો ફૂટપાથ પર બેસી ખાંસવા માંડ્યો. અચાનક ખાંસી સાથે એક ગળફો લોહી. રિપુન 

થોડીવાર તો લોહી ભણી જોઈ રહ્યો. એ પછી ઘેર ચાલ્યો ગયો.

સાવિત્રી એને મહોલ્લાના દાક્તર પાસે લઈ ગઈ. તેમણે છાતી-વાંસો તપાસી કહ્યું, 'ક્ષય થયો છે' અને ઉમેર્યું, "મને કંઈ ફી દેવાની નથી, પણ દવા અને ઈંજેકશન ખરીદવાં પડશે, તે સિવાય સારો ખોરાક ખાવો પડશે. ઈંડા, માખણ, મચ્છી, માંસ, ફળ વગેરે. સાવિત્રી મૂંગી મૂંગી દાક્તરના મોં ભણી જોઈ રહી. તેના ચહેરા પરનો અદૃશ્ય અગ્નિશિખાનો સંદેશો સંભવ છે દાક્તર સાહેબના અંતર સુધી પહોંચી ગયો હતો. તેમણે કહ્યું, "જો તારી શક્તિ ન હોય તો પછી હૉસ્પિટલમાં દાખલ થાય એ જ સારું. તને હું એક ચિઠ્ઠી લખી આપું છું તે લઈને તું એને લઈને હૉસ્પિટલમાં જા. ચિઠ્ઠી લઈને સાવિત્રીએ સાત દિવસ હૉસ્પિટલની ભીડમાં ધક્કા ખાધા. પણ કંઈ ન વળ્યું. એક રોગી બોલ્યો – "અહીં વિના પૈસે કશું જ વળવાનું નથી, લાંચ દેવી પડશે. 

આ વાત સાંભળ્યા પછી સાવિત્રી રિપુનને હૉસ્પિટલમાં ફરી લઈ ગઈ નહીં. એટલા રૂપિયા કાઢવા ક્યાંથી? વિના દવાએ જ એના દિવસો વીતવા લાગ્યા. ફરી એણે રસ્તા પર રખડી મજૂરી કરવાનું શરૂ કર્યું. એક દિવસ તેના એક સાથીએ કહ્યું, "જો મને એક વિચાર આવ્યો છે. તું ગમે તેમ કરીને જો છ મહિના અલિપુર જેલમાં વિતાવી શકે તો તારો ક્ષય સારો થઈ જશે.

"જેલમાં જવાથી ક્ષય મટી જશે? શું વાત કરે છે! રિપનો પહેલાં તો એ વાત માની જ શક્યો નહિ.

સાથીદારે કહ્યું, "હરું જેલમાંથી સારો થઈને પાછો આવ્યો છે. તેનેય ક્ષય થયો હતો. ત્યાં ખૂબ સારી હૉસ્પિટલ છે. વગર પૈસે દવા થશે. તું જેલમાં જા.

કેટલાંક દિવસમાં જ રિપુન ટ્રામમાં ખીસું કાતરતાં જ પકડાઈ ગયો. બધાએ ખાસ્સો પીટ્યો અને અંતે પોલીસના હાથમાં સોંપી દીધો.

અદાલતમાં ન્યાયાધીશે કહ્યું, "તું તારા બચાવ માટે વકીલ રાખી શકે છે. વકીલ રોકવાની તારી શક્તિ નહિ હોય તો અમે જ તારા તરફથી એક વકીલ રાખી આપીએ.

રિપુને હાથ જોડીને કહ્યું – "ના હજૂર, વકીલની જરૂર નથી. પોલિસ જે કહે છે તે સાચું છે. મેં ચોરી કરવા માટે જ એ ગૃહસ્થના ખીસામાં હાથ નાખ્યો હતો.

ન્યાયાધીશે રાય આપી – "પચાસ રૂપિયા દંડ અને દંડ ન ભરે તો એક મહિનાની જેલ.

રિપુન હાથ જોડી બોલ્યો, "ધર્માવતાર, રૂપિયા તો હું નહિ ભરી શકું. પણ મને એક મહિનો નહિ છ મહિનાની જેલની સજા કરો.

ન્યાયાધીશ તો અવાક્ જ બની ગયા.

"છ માસ જેલ શા માટે માગે છે?

"મને ક્ષય થયો છે. સાંભળ્યું છે અલિપુર જેલમાં ક્ષયની દવા બહુ સારી થાય છે. છ મહિનામંા તબિયત સુધરી જાય છે.

છતાં ન્યાયાધીશે ચુકાદો બદલ્યો નહિ. જેલની હૉસ્પિટલમાં બીમારી સારી થઈ નહિ. રિપુન ખાંસતો ખાંસતો જ એક મહિના પછી જેલમાંથી બહાર આવ્યો. એ પછી પણ એક મહિનો એ જીવ્યો હતો. એક દિવસ અધરાતે જોરથી ખાંસતાં ખાંસતાં ઊઠીને બેઠો થયો અને માના પગ પર લોહીની મોટી ઊલટી કરીને ઈહલોકનો એણે ત્યાગ કર્યો.

સાવિત્રી નિસ્તબ્ધ બની બેસી રહી. એની આંખોમાંથી આગના તણખા ઝરવા માંડ્યા. એક ટીપુંય આંસુ ન સાર્યું.

એ પછી બે મહિને ચૂંટણી આવી. સાવિત્રીબાલા એક મતદાર છે. એમના બારણે એક મતપ્રાર્થી આવીને ઊભો રહ્યો.

સાવિત્રી એમની સામે અગ્નિદૃષ્ટિએ તાકીને બોલી, "તમને મત આપું? શા માટે? તમે મારા પર શો ઉપકાર કર્યો છે? તમે જ્યારે ગાદી પર હતા ત્યારે મારા વિદ્વાન પતિ સામાન્ય ભિખારીની જેમ મરણ પામ્યા. મારા મોટા દીકરાને હું ભણાવી ન શકી, અંતે એ ગુંડો બની છરો ખાઈને મરી ગયો. નાનો દીકરો મર્યો ક્ષયમાં, તેનાં બિલકુલ દવાદારૂ ન થયાં, બધે જ લાંચ રુશ્વત માગે છે. તમને લોકોને મત શા માટે દેવો જોઈએ? કોઈનેય મત નથી દેવાની.

મતપ્રાર્થી સજ્જન કહેવા ગયા, "પણ જુઓ ગણતંત્રમાં-લોકશાહીમાં-

પણ સાવિત્રીએ એમને એ વાક્ય પૂરું કરવા દીધું નહિ. વચ્ચે જ જોરથી ઘાંટો પાડી ઊઠી, "જતા રહો ઘરમાંથી…

ઉતાવળે પગલે સજ્જન બહાર નીકળી ગયા.

ધડ દઈને સાવિત્રીએ બારણાં વાસી દીધાં.

 

(નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા પ્રકાશિત પુસ્તક 'એકવીસ બંગાળી વાર્તા'માંથી સાભાર.)

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (8)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article-3/

No comments:

Post a Comment