Saturday 11 January 2014

[Vijay Kudal] [VijayKudal] Men 2 Men (Gujarati)

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Men 2 Men (Gujarati)'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

ભવિષ્યમાં પડી રહેલી તમામ આવતી કાલો વિશે એકસામટું વિચારવાથી અસલામતી સર્જાય છે
મૅન ટુ મૅન – સૌરભ શાહ
ભવિષ્યનો ઉપકાર એટલો છે કે રોજના એક દિવસને હિસાબે જ એ માણસની જિંદગીમાં આવે છે, એકસામટો હલ્લો નથી બોલાવતું. એટલા માટે જ દરેક દિવસની શરૂઆત જિંદગીનો ખૂબ મહત્ત્વનો અંશ બની જાય છે. ગઈ કાલો જેવી ગઈ હોય એવી, દિવસના આરંભે જ માત્ર એ દિવસની જ ફિકર કરવાની.
 
સંબંધ બંધાયા પછી ભવિષ્યમાં ગમે ત્યારે એ પૂરો થઈ શકે એવી ભાવનાને તમે અસલામતીની લાગણીનું નામ આપો તો આ અસલામતીના અનેક ફાયદા હોઈ શકે.

કોઈ પણ સંબંધ તૂટે ક્યારે? જ્યારે એમાં બેઉ વ્યક્તિને અગાઉના જેવો ઈન્ટરેસ્ટ ન રહે ત્યારે. એવું ક્યારે બને? જ્યારે તમે પોતે એમાં રસ જાળવી ન શકો ત્યારે. આ સંબંધ ગમે ત્યારે તૂટી જઈ શકે એમ છે એ બાબત માટે તમે સભાન હો તો આપોઆપ એ સભાનતા તમને આ સંબંધને વિકસાવવા માટે ઉપયોગી હોય એવી તમામ વાતોને અમલમાં મૂકવા માટે પ્રેરણા આપશે અને આ સંબંધને હાનિકારક બને એવી તમામ વાતો કરતાં અટકાવશે. સામેની વ્યક્તિને તમે સતત ગમતા રહો એ માટે તમે તમારા સ્વભાવ, તમારા વિચારો તથા તમારા વ્યવહારને- ટૂંકમાં તમારી સમગ્ર જાતને- વધુ ને વધુ સમૃદ્ધ બનાવવાના પ્રયત્નો કરતા રહેશો.

પરિણામ એ આવશે કે અસલામતીની લાગણીને કારણે લેવાતા નિર્ણયો તમારા સંબંધને વધુ ને વધુ મજબૂત બનાવતા રહેશે. ભવિષ્યમાં જોઈ શકાતાં જોખમો જો અસલામતીને જન્મ આપતાં હોય તો સારું જ છે, જેથી આવી સભાનતા તમારા અત્યારના વર્તનને વધુ સારું અથવા ઓછું ખરાબ બનાવવાની કોશિશ કરે અને એક એવા સ્તરે તમને અને તમારા સંબંધને લઈ જાય જ્યાં પેલાં જોખમો બિલકુલ નાબૂદ થઈ ચૂક્યાં હોય.

કમિટમેન્ટ. અર્થાત્ વચનબદ્ધતા. સંબંધમાં આજીવન સાથે રહેવાના કે જનમોજનમનો સાથ નિભાવવાના સોગંદ લેવાતા હોય છે અને સ્વાભાવિક છે. પ્રેમની ઉત્કટતા આ રીતે પણ પ્રગટ થઈ શકે એવું માની લેવામાં આવ્યું છે. પણ આનો અંજામ શું આવે છે? આજીવન સાથે રહેવાનું કમિટ કર્યા પછી જે લાગણી બાકી રહે છે તે એટલી જ કે આ વચન મારે નિભાવવાનું છે, મારેે આજીવન એની સાથે રહેવાનું છે, બસ, આપણે ભૂલી જઈએ છીએ કે આજીવન સાથે રહેવા માટે માત્ર એકબીજા સાથે વચનબદ્ધ થઈ જવું પૂરતું નથી. જિંદગી આખી સાથે રહી શકાય અને અગાઉના જેવી જ ઉત્કટ તથા ઉમદા લાગણીઓથી એકબીજાનાં જીવનને પ્રફુલ્લિત કરતા રહેવાય તે માટે કઈ કઈ જવાબદારીઓ નિભાવવાની છે એ વાત આપણે સદંતર ભૂલી જઈએ છીએ. યાદ માત્ર એટલું જ રહે છે કે પેલું આજીવન સાથે રહેવાનું વચન પાળવાનું છે, ચાહે ગમે તે થાય. વર્ષો પછી માત્ર એ જ સંતોષ રહે છે કે મેં આપેલું કમિટમેન્ટ તોડ્યું નથી. અંદરથી ભલે ગમે એટલા તૂટી ગયા હો, સંબંધો ગમે એટલા વેરણછેરણ થઈ ગયા હોય, વચન અકબંધ રાખ્યું છે.

સંબંધમાં કમિટમેન્ટ અનિવાર્ય ખરું, પણ કેવું કમિટમેન્ટ? આ સંબંધને ઉછેરવા માટે, એને વિકસાવવા માટે, એને પૂરતી મોકળાશમાં ખીલવવા માટે હું મારાથી બનતું બધું જ કરી છૂટીશ. એ માટે મારે મારામાં જે કંઈ ઉમેરવું પડે તે ઉમેરીશ અને જે કશાની બાદબાકી કરવી પડે તે પણ કરીશ. તમારી જાત સાથેનું આ કમિટમેન્ટ કર્યું હોય તો બીજા કોઈ કમિટમેન્ટની જરૂર પણ રહેતી નથી.

બીક અને ડર. આમાંથી જન્મે છે અસલામતી. આ અસલામતીથી દૂર જવા માણસ સલામતી શોધે છે, અને તે પણ કોની પાસે- જે ખુદ અસલામત છે એની પાસે. કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિને સંપૂર્ણ સલામતી આપી શકે જ નહીં. ચાહે એ લાગણીની હો, આર્થિક હો, સામાજિક હો યા શારીરિક. પોતાની અસલામતી દૂર કરવા માટે બીજા પર આધાર રાખનારી વ્યક્તિ વહેલીમોડી પસ્તાવાની. વ્યક્તિએ કાં તો પોતે જ પોતાને વિવિધ પ્રકારની સલામતીઓ આપતાં શીખી લેવું જોઈએ અથવા અસલામતીની વચ્ચે જીવવાની મઝા લેતાં એને આવડી જવું જોઈએ.

સલામતી એક વિચાર, એક ક્ધસેન્ટ, એક કલ્પના છે. કોઈ પણ પ્રકારની કલ્પનાનો મેળ વાસ્તવિકતા સાથે સોએ સો ટકા થાય તે અશક્ય છે. કલ્પનાઓ ખૂબસૂરત હોય છે પણ એ હંમેશાં આકાર વિનાના વાદળની જેમ મનમાં તરતી રહે એ જ સારું. એને સાકાર કરવાનું જોખમ ત્યારે જ લેવાય જ્યારે દરેક કલ્પના સાથે જોડાયેલો એ જ કલ્પનાનો એક અલ્પજાણીતો એવો બિહામણો ચહેરો જોવાની અને જોઈને એને સ્વીકારવાની તૈયારી હોય.

કલ્પનાઓ, અથવા તો રોમૅન્ટિક્સ જેને ખ્વાબ કે સપનાં કહે છે એવાં વિચારો, ઈચ્છાઓને જન્મ આપે છે. આ ઈચ્છાઓ આગળ વધીને યોજના બની જાય છે, જીવનના પ્લાનિંગનો એક ભાગ બની જાય છે અને યોજના મુજબ જ આગળ વધવાની જીદ જન્મે છે. આ જીદ કે જક્કીપણું વાસ્તવમાં તો પ્લાનિંગને અમલમાં મૂકવા માટેનાં નથી, હવામાં તર્યા કરતી અને ખીણમાં ધુમ્મસની જેમ ક્યારે મુઠ્ઠીમાં પકડાવાની નથી એવી કલ્પનાઓને હકીકતની દુનિયામાં ખેંચી લાવવાની જીદ છે. આવી જીદ માણસને હરાવી નાખે છે. થકવી નાખે છે, રૂંધી નાખે છે. આવી જીદને કારણે માણસનું વિશ્ર્વ વિસ્તરવાને બદલે ચારે તરફથી સંકોચાતું જાય છે, એની સીમાઓ સાંકડી થતી જાય છે. સરળ, શાંતિભર્યું, કલહમુક્ત જીવન જીવવાના વિચારો જ્યાં સુધી કલ્પનામાં હોય છે ત્યાં સુધી જ શાતા આપે છે. એને પરાણે વાસ્તવિક બનાવવા જતાં શક્ય છે કે માણસ વધારે ગૂંચવાય, વધારે અશાંત બને, વધારે કલહ સર્જાય. 'શાંતિ રાખો', 'શાંતિ રાખો'ની બૂમો પાડતા રહેવાથી ક્યારેય નીરવ શાંતિ સર્જાતી નથી અને સર્જાય તો પણ, એ બૂમાબૂમ દરમિયાન ગળાને ત્રાસ, આપીને ઊભો કરેલો વિસંવાદ મનને ક્ષુબ્ધ બનાવી દે છે. આવું ક્ષુબ્ધ મન સામે જ પડેલી નીરવતાનો આનંદ માણવાને અશક્ત હોય છે.

કોઈકે સાચું જ કહ્યું છે કે ભવિષ્યનો ઉપકાર એટલો છે કે રોજના એક દિવસને હિસાબે જ એ માણસની જિંદગીમાં આવે છે, એકસામટો હલ્લો નથી બોલાવતું. એટલા માટે જ દરેક દિવસની શરૂઆત જિંદગીનો ખૂબ મહત્ત્વનો અંશ બની જાય છે. ગઈ કાલો જેવી ગઈ હોય એવી, દિવસના આરંભે જ માત્ર એ દિવસની જ ફિકર કરવાની. ભવિષ્યમાં પડી રહેલી તમામ આવતી કાલો વિશે એકસામટું વિચારી લેવાનો કોઈ અર્થ નથી, કારણ કે એ વિચારોમાંથી કલ્પના સર્જાશે, જે કાં તો અસલામતી ઊભી કરશે અથવા ઈચ્છા બનીને વાસ્તવિકતા બનવાની જીદ પકડશે. આ બેઉ પરિસ્થિતિઓ તાણ અને અસંતોષ સિવાય બીજું કશું આપી શકવાની નથી. વધુ ને વધુ કલ્પનાઓ વધુ ને વધુ અસ્પષ્ટતાઓ સર્જે છે. આથી અસ્પષ્ટતાઓ જ સરળ જિદંગી જીવવાની આડે આવીને અસલામતી સર્જતી રહે છે.

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-men-2-men-gujarati/

No comments:

Post a Comment