Friday 10 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati article by Chandrakant Baxi

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati article by Chandrakant Baxi'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

સાંભળવું: ધ્વનિ, અવાજ, અક્ષર, શબ્દ…
બક્ષી સદાબહાર – ચંદ્રકાંત બક્ષી
ઈંદ્રિયો નર્વ્ઝ દ્વારા જે સંદેશ મોકલે છે અને દિમાગ બુદ્ધિ દ્વારા એનો જે તરજુમો કરે છે, એ સમજવા માટે વિજ્ઞાનનું દરેક સાધન કે ઉપકરણ ઓછું પડે છે
 
માણસ અને જાનવર વચ્ચે બે મહત્ત્વપૂર્ણ ફર્ક છે, ઓજારો કે ઉપકરણોનો ઉપયોગ અને ભાષા, પણ સૌથી બુનિયાદી ફર્ક છે ભાષા. માણસ બોલી શકે છે અને બોલાયેલું સમજી શકે છે અને ફરીથી સંધાન રાખીને સંવાદ કરી શકે છે. અવાજના મોનિટરિંગમાંથી વાણી જન્મે છે, જેમાં અર્થ હોય છે અને માહિતી હોય છે. વિજ્ઞાન માને છે કે લેરિંક્સ અને જીભના ઉપયોગથી અંકુશિત અવાજો કરી શકાય છે. વિજ્ઞાનની બીજી વધારે સૂચક શોધ એ છે કે જે સ્નાયુઓ અવાજને અંકુશમાં રાખે છે અને જે ભાગોથી સાંભળવાનો અહેસાસ થાય છે, એ બે વચ્ચે સતત એક તાલમેલ રહેતો હોય છે! શિક્ષણ એટલે રીડિંગ, રાઇટિંગ અને 'રિથમેટિક' એવી બુનિયાદી પશ્ર્ચિમી વિભાવના છે. વાંચવું, લખવું અને હિસાબ રાખવો. એમાં જ શિક્ષિત શબ્દ સમાઈ જાય છે. ચીનમાં શિક્ષિતની વ્યાખ્યા જરા બદલાઈ જાય છે. ચીનમાં દરેક શિક્ષાર્થીએ ત્રણ નહીં પણ ચાર સ્કિલ્સ અથવા યોગ્યતાઓ પ્રાપ્ત કરવી પડે છે: વાંચવું, લખવું, બોલવું અને સાંભળવું! જો ચીનમાં શિક્ષિત ગણાવું હોય તો 'સાંભળતાં' આવડવું જોઈએ…

બોલવાની પ્રક્રિયા વિશે વિજ્ઞાન હજી સંશોધન કરતું રહે છે. અવાજ ક્યાંથી આવે છે? ધ્વનિને શિસ્તબદ્ધ કરવામાં આવે છે ત્યારે અવાજનો આવિર્ભાવ થાય છે. બોલતી વખતે જીભ કેટલાં આંદોલનો કરે છે? બોલવામાં દાંતની કોઈ ભૂમિકા છે? ધ્વનિનો આકાર એ અક્ષર છે. ધ્વનિનું ચિત્ર, ધ્વનિની આકૃતિ, ધ્વનિનું પ્રતીક, ધ્વનિનું બિંબ એ અક્ષરનો જન્મ છે. અક્ષર એ ધ્વનિનો ચહેરો છે અને અક્ષર છે માટે ઉચ્ચાર છે અને ઉચ્ચાર એ આંદોલન સ્પંદનનો જાદુ છે. એમાં ગળાનું ઉષ્ણતામાન ઉમેરાય છે. લખાયેલો અક્ષર મૃત, ડી-હાઈડ્રેટેડ, અવાજ છે, જ્યારે એ બોલાય છે ત્યારે એમાં શરીરની ગરમી ઉમેરાય છે, એ અક્ષર જીવતો થાય છે. ૐ આ પ્રક્રિયાનું સબળ પ્રમાણ છે, ૐ બોલાય છે ત્યારે અંતરિક્ષ સુધી એનાં પરિમાણો ફેલાઈ જાય છે. ધ્વનિ અશ્રાવ્ય થતો રહે છે, અક્ષર જીવે છે. અક્ષરનું અંકન છે. અક્ષર લખી શકાય છે, ખોદી શકાય છે, સ્થાપી શકાય છે.

લખતાં પહેલાં બોલવાનું શરૂ થાય છે. દરેક પ્રજામાં બાળકના જન્મ પછી બાળકને છ-આઠ મહિને જે વાચા ફૂટે છે એ આરંભમાં માત્ર અવાજો હોય છે. એમાં લિપિબદ્ધ ભાષા હોતી નથી. બાળક સતત માતાના સંપર્કમાં રહેતું હોય છે, સતત માતાને જોતું રહેતું હોય છે અને માતાના ફફડતા હોઠ જોઈને પોતાના હોઠ ફફડાવવાનું શીખે છે. આ હોઠના હાલતા રહેવાથી ઓષ્ટય અક્ષરો પ્રથમ સ્ફૂરે છે, અને આ અક્ષરો છે, પ, ફ, બ, ભ, મ! બે હોઠ બંધખોલ થવાથી આ ઉચ્ચારો જન્મે છે. દુનિયાભરમાં માતા માટેના શબ્દો, એકાક્ષરી કે બે અક્ષરી, શા માટે 'મ'થી સંબંધિત હોય છે? મા કે મંમી કે બા કે મમ્મમ્ જેવા અવાજો એ પ્રથમ 'ભાષા' છે! લૅટિનમાં સ્તન માટેનો એક શબ્દ છે: મામા!

મનુષ્ય અવાજનું આર્ટિક્યુલેશન અથવા આયોજન એ ઉચ્ચારણ છે અને દરેક ઉચ્ચારણને શબ્દસ્થ કરવું પણ શક્ય નથી. ગોળ (રાઉન્ડ) અને ગોળ (મોલેસીસ, ગુડ, શેરડીના રસમાંથી બનતો મીઠો પદાર્થ), બંનેના લખવામાં કોઈ જ ફર્ક નથી, પણ ઉચ્ચારણમાં સંપૂર્ણ ફર્ક છે. એક ઉચ્ચાર સાંકડો છે, બીજો ઉચ્ચાર પહોળો છે અને બંનેના અર્થ તદ્દન ભિન્ન છે. જ્યાં લિપિ છે ત્યાં ઉચ્ચાર મહત્ત્વપૂર્ણ છે, પણ જ્યાં ચિત્રલિપિ છે ત્યાં ઉચ્ચારણ સમસ્યા પેદા કરે છે. પ્રાચીન ઈજિપ્તમાં ચિત્રલિપિ હતી અને આજની ચીની ભાષામાં પણ ચિત્રલિપિ છે. અક્ષરોથી નહીં, પણ માત્ર ચિત્રો કે ચિત્રાકૃતિઓ કે પ્રતીકો દ્વારા અર્થ મળે એ આશય હોય છે. આવી 'ભાષા' શીખવામાં બહુ અઘરી પડી જાય છે, કારણ કે આમાં કાલ્પનિક અર્થઘટનનું તત્ત્વ ઉમેરાય છે. ચિત્રલિપિના પણ ઉચ્ચારો હોય છે અને ચીની ભાષામાં એક 'લિ' શબ્દનો ચાર રીતે ઉચ્ચાર થતો હોય છે અને આ ચારે ઉચ્ચારોના જુદા જુદા અર્થો નીકળતા હોય છે! ચીની ભાષાના કેટલાક ધ્વનિઓ આપણી લિપિઓનાં ઉચ્ચારણોમાં મૂકી શકાતા નથી. કેટલાક અક્ષરો જે આપણી ભાષામાં મૃત:પ્રાય થઈ ગયા છે એ અન્ય ભાષામાં જીવંત છે. તિબ્બતની તિબ્બતી ભાષામાં આપણો 'ઞ' આજે પણ ચાલે છે.

એક વ્યક્તિ બોલે છે અને બીજો સાંભળે છે, એ વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ હજી વિજ્ઞાન સમજી શકતું નથી. ઘણી પ્રજાઓમાં, દાખલા તરીકે ફ્રેંચ, આરબ વગેરેમાં બોલવાની સાથે હાથોની ભંગિમાઓ અને હાવભાવ થતા રહે છે. સંવાદ કરવો હોય તો અન્ય વ્યક્તિની આંખોમાં આંખો નાખીને એક સંધાન મેળવવું પડે છે, પછી જ સંવાદસેતુ બંધાય છે. સામેની વ્યક્તિની આંખોમાં જોયા વિના વાત કરી છે? આંખો બચાવીને જે માણસ વાત કરે છે એ જુઠ્ઠો લાગે છે! વાત કરવા માટે ચાર આંખો મળવી જોઈએ, દરેક બે વ્યક્તિઓ મુકાબિલ થાય છે ત્યારે પ્રથમ આંખો જ આંખો સાથે શાંત સંવાદ કરી લેતી હોય છે. ટીવીમાં બોલતી વખતે ઘણા વક્તાઓ – પ્રવક્તાઓને કૅમેરાની લાલ લાઈટના ટપકાની સામે જ જોઈને વક્તવ્ય આપવાનું હોય છે માટે એમની વાત એટલી વિશ્ર્વસનીય લાગતી નથી. ટીવીમાં દરેક વક્તાએ એક અભાસ ઊભો કરવાનો હોય છે કે એ આંખોમાં આંખો મિલાવીને એટલે કે ઘરમાં કે બેડરૂમમાં બેઠેલી વ્યક્તિની આંખોમાં આંખો મિલાવીને વાત કરી રહ્યો છે! કૅમેરા તમને જોઈ રહ્યો છે એ અહેસાસ પણ ઘણી વાર માણસના અવાજને કૃત્રિમ બનાવી દે છે.

બોલાયેલા શબ્દને સમજવાની કઈ પ્રક્રિયા શરીરમાં થાય છે એ સંશોધનનો વિષય છે. માણસ ઘણા બધાને એક જ નામ આપીને અર્થ સ્થાપિત કરતો રહે છે. દૃષ્ટાંત રૂપે, વનસ્પતિના વિશ્ર્વમાં કરોડો વૃક્ષો છે, પણ માણસ 'ઝાડ' કે 'વૃક્ષ' જેવો એક સામૂહિક શબ્દ વાપરીને સમજી જાય છે. જ્યારે 'મંદિર' શબ્દ બોલાય છે ત્યારે એ મંદિર શ્રોતાના ભૂતકાળના અનુભવ પરથી, એણે જોયેલા મંદિર પ્રમાણે, પ્રમાણિત થાય છે. મંદિર એ શ્રોતાના સ્વાનુભવ, સ્મૃતિ અને સમજ પ્રમાણેનું મંદિર છે. એ શ્રોતાનું પોતાનું મંદિર છે. 'ઊંચો' શબ્દની દરેકની પોતાની વ્યાખ્યા છે. 'લાલ' શબ્દ દરેક શ્રોતાને માટે પોતે જોયેલો લાલ રંગ છે. દરેક 'ગાય'ને કે 'વૃક્ષ'ને જુદું નામ નથી હોતું પણ એ શબ્દો શ્રોતાના દિમાગમાં એક ચિત્ર જરૂર પ્રસ્તુત કરી દે છે. બે શબ્દો સાથે મુકાય છે અને નવી વિભાવના ઊભી થઈ જાય છે, દૃષ્ટાંતરૂપે, 'સેક્સી સ્ત્રી'!

સૌથી જટિલ અને આશ્ર્ચર્યકારક પ્રક્રિયા ગણાય છે, માણસનું વાંચવું, એ વાંચવાની ઝડપ અને તરત જ એનો અર્થ ગ્રહણ કરવાની સૂઝ. કહેવાય છે કે માણસ મિનિટના ૧૦૦ શબ્દોના આકારો જોઈને ઓળખી જાય, એ અક્ષરોના બનેલા શબ્દો ઉકેલતો જાય અને બે કે વધારે શબ્દો સાથે આવે તો સંદભો સમજતો જાય, અને એ વિચારો તેના મનમાં પડઘાતા જાય… એ વિસ્મયનો અને અદ્ભુતનો પ્રાંત! મનુષ્ય તરીકે મારે માટે બોલાતા શબ્દનો અવાજ, અને લખાયેલા શબ્દનું દૃશ્ય, રોમાંચના વિષયો છે અને ઈંદ્રિયો નર્વ્ઝ દ્વારા જે સંદેશ મોકલે છે અને દિમાગ બુદ્ધિ દ્વારા એનો જે તરજુમો કરે છે, એ સમજવા માટે વિજ્ઞાનનું દરેક સાધન કે ઉપકરણ ઓછું પડે છે. આદિમ મનુષ્યની સિદ્ધિઓ હતી, અગ્નિની શોધ, ખેતીવાડી, ઓજારો, પશુઓને પાળીને થતો ઉપયોગ… પણ માનવ ઉત્ક્રાંતિની સૌથી મોટી ઉપલબ્ધિઓ કદાચ હતી: બોલવું, લખવું, વાંચવું અને આજના ગતિશીલ યુગમાં: સાંભળવું! સાંભળવું એ ધૈર્યનો વિષય છે…


ક્લૉઝ અપ

સત્યં બ્રૂયાત પ્રિયં બ્રૂયાત

(અર્થ: સત્ય બોલો, પ્રિય બોલો.)

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article-by-chandrakant-baxi/

No comments:

Post a Comment