Saturday, 11 January 2014

[Vijay Kudal] [VijayKudal] Hasyan no Darbar (Gujarati)

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Hasyan no Darbar (Gujarati)'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

ધરમચંદની આત્મહત્યા
હાસ્યનો દરબાર – શાહબુદ્દીન રાઠોડ
સત્તા અને સંપત્તિ ચાલી જતાં મોજશોખના ખર્ચાનો બોજ ન ઝીલી શકેલા ધરમચંદે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પણ ભાગ્ય સારા કે બચી ગયો
 
સર્વે ગુણ કાંચનમાં સમાયેલ છે. આમ તો તે બેકાર હતો ત્યારે બધા તેને ધમો કહેતાં, પૈસા વધ્યા, એટલે ધરમ મંડયા સૌ કહેવા. વળી ચૂંટણીમાં ચૂંટાઇને મંત્રી બન્યો ત્યારે ધરમચંદ થયો. સત્તા આવવાથી સંપત્તિ પાછી વધી એટલે ધરમચંદ શેઠ થયો. ધરમચંદ શેઠના જીવનમાં જયાં જુઓ ત્યાં સુખ જણાઇ આવતું. આ વિશાળ બંગલો, મોટરો, નોકરો-ચાકરો, હુકમ ઉઠાવવા હાથી નીચે અધિકારીઓ, ટેન્શન વધે તો હિલ સ્ટેશન પર અલાયદું સુંદર મકાન. મોડી રાત સુધી ચાલતી શરાબની મહેફિલો અને ત્યાર પછીનો સુંદરીઓનો સહવાસ. ઘણી વાર અતિમઝા, અતિસુખની પાછળ કારમું દુ:ખ છુપાયેલું હોય છે. અને અતિદુ:ખ, અનહદ પરિશ્રમ પાછળ આનંદનો સાગર ઊછળતો હોય છે. માનવી ઉપરથી દેખાતા સુખની પાછળ રહેલું દુ:ખ જોઇ શકે. સમજી શકે તો જીવનનું ઉમદા સત્ય તે પ્રાપ્ત કરી શકે છે. ધરમચંદ શેઠના સંજોગો પડખું ફર્યા, સંપત્તિને લીધે આવેલા દુર્ગુણો રહી ગયા અને સંપત્તિ સરી ગઇ. જાળમાંથી પાણી વહી જાય અને માછલાં રહી જાય તેમ. મંત્રીપદ જતું રહ્યું. ફરી ટિકિટ નહી. ઉદ્યોગો અતિ મોજશોખમાં થતા ખર્ચાનો બોઝ ઝીલી ન શક્યા. સંપત્તિ હતી ત્યાં સુધી મિત્રો સંબંધી રહ્યા પણ પછી તળાવમં પાણી સુકાય અને પંખી ઊડી જાય એમ સંગાથ છોડી જતા રહ્યા. ધરમચંદ શેઠ ફરી ધમો બની ગયો. બેકારી આવી. બેકાર બન્યા અને છેવટે દવાખાનાના દર્દીની પથારીએ પહોંચીને સૂતા. આખા ગામમાં એક જ ચર્ચા થતી હતી. ધરમચંદ શેઠે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. એ તો ભાગ્ય સારા કે બચી ગયા. નહીતર અત્યારે તો લોકોએ નાહી પણ નાખ્યું હોત. શેઠે કાળાધોળા કરી ભેગી કરેલી સંપત્તિને લીધે ઈર્ષાની આગમાં સળગતાં સંબંધીઓને મનમાં હરખ થયો. પણ મિત્રો તરીકે અમને દુખ થયું. હું વનેચંદ, પ્રવીણ અને જશવંત તરત દવાખાને પહોંચ્યા. અમને જોઇ ધરમચંદ શેઠ પ્રથમ તો ધ્રુસકે ધ્રુસકે રોયા. કમળા શેઠાણીએ રોઇ રોઇ હૈયું ઠાલવ્યુ. દીકરો શૈલેશ અને પુત્રી શિલ્પાનાં હૈયા પણ હાથ ન રહ્યાં. મને માત્ર શેઠની રંગીન રાત્રીઓ નીચે છુપાયેલી અત્યારની વરવી વાસ્તવિકતા ધ્યાનમાં આવી, અમને જોઇ ધરમચંદ શેઠ પ્રથમ ખૂબ રોયા. પછી હળવા થયાં. અને પછી સૌના આશ્ર્ચર્ય વચ્ચે આનંદમાં આવી ગયાં. સૌને બેસાડી પ્રથમ શેઠે બધા માટે ચા મંગાવી. સૌ ચા પીને બેઠાં. ડો. પટેલ સાહેબ પણ અમારી સાથે ગોઠવાઇ ગયા. 

શેઠે અમે પૂછયું નહીં હોવા છતાં પોતાના આત્મહત્યાના પ્રયાસની માંડીને વાત કરી. એક જમાનામાં સમૃદ્ધિના શિખરે હું હતો અને આજે રસ્તે રઝળતો ભિખારી બની ગયો છું એ સૌ જાણો છો. પ્રથમ તો મેં મારી જાત પર કાબુ રાખવા બહુ કોશિશ કરી પણ એ શક્ય જ નહોતું. મેં નક્કી કર્યું. આત્મહત્યા કરી જિંદગી ટૂંકાવી નાખવી. તમે જાણો છો મારું કામ વ્યવસ્થિત અને આયોજનપૂર્વકનું હોય છે. મેં ઊંઘની ગોળી એકી સાથે વીસ લઇને સદાને માટે સૂઇ જવાનો વિચાર કર્યો અને ગોળીઓ મેળવી લીધી. મને થયું ગમે તે કારણસર ગોળીઓની અસર ન થાય તો? એટલે મને થયુ નદી પરના પુલ સાથે સમી સાંજે કોઇ ન હોય ત્યારે દોરડું બાંધી ગળામાં ગાળિયો નાખી નદીમાં કુદી પડવું. તમે જાણો છો કે મને તરતાં નથી આવડતું. કદાચ દોરડું તૂટી જાય કે ગાંઠ સરકી જાય તો નદીમાં ડૂબી મરીશ, વળી થયું કે દોરડાનો ગાળિયો ગળામાં ખૂંચે અને પીડા થાય તો? કોઇ ઘરાક ન મળવાથી વેચાયા વગરની રહી ગયેલી રિવોલ્વર મેં કાઢી. કાર્ટ્રિજ ભર્યા. ગોળીઓ લઇ ગાળિયો ગળામાં નાખી પછી કુદી પડવું અને છતાં દોરડું ખૂંચે તો રિવોલ્વરથી માથામાં ગોળી મારી દેવી. બધું નિષ્ફળ જાય તો છેવટે પાણી ડુબાડી દેશે એ તો નક્કી વાત છે. વનંચંદ કહે, 'મરવા માટે આટલું મથ્યો તેના બદલે જીવવા માટે મહેનત કરી હોત તો?' મેં કહ્યું, 'પાસે રિવોલ્વર હતી પછી શું ભલા માણસ જાત પર ગોળી ચલાવવાનું વિચાર્યું? એના કરતાં લેણિયાતને ભડાકે દીધા હોત તો?'

જશવંત કહે, 'હવે તું બચ્યો કેવી રીતે એ ઝટ કહે.' ધરમચંદ કહે 'એ જ હું કહું છું. સાંજનું ટાણું થયું. સૌને યાદ કર્યા. છેલ્લી વાર આપણા ગામ પર નજર ફેરવી લીધી. પરિવારની માફી માગી અને વીસ ગોળીઓ ગળી ગયો. ફટ ગાળિયો નાખ્યો ગળામાં, એ જ ક્ષણે નદીમાં કુદી પડયો પણ ગળામાં દોરડું તંગ થતાં પીડાના ખ્યાલે, માથું વીંધી નાખવા રિવોલ્વરનો ઘોડો દબાવી દીધો. હવે થયું એવું કે ગોળી માથામાં લાગવાને બદલે દોરડાને વીંધતી ગઇ. દોરડું તુટયું. હું નદીમાં પડયો. હું ડૂબવા લાગ્યો અને ઘણું પાણી પી ગયો. છેલ્લી હોડીવાળા મને નદીમાં પડતો જોઇ ગયા. તેમણે મને બચાવ્યો. સૌપ્રથમ ચક્કર ચક્કર ફેરવ્યો અને પાણી બધું કાઢી નાખ્યું. પાણી સાથે ઊંઘની ગોળીઓ નીકળી ગઇ. પ્રભુની કૃપાથી હું બચી ગયો. મેં કહ્યું, 'હાનિ, લાભ, જીવન, મરણ, જશ, અપજશ, વિધિ હાથ'આવું જે ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયુ. સૌ આનંદમાં હતાં. મને સૌએ કાંઇક કહેવાનો આગ્રહ કર્યો. ૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે એક મજાક પ્રચલિત હતી. એ જોક કહી.

એ વખતે ચોરે-ચૌટે જયાં જુઓ ત્યાં યુદ્ધની વાતો થતી. યુદ્ધની કથા રમ્ય હોય છે. માણસો ઉત્સાહમાં આવી જાય છે. આપણે ખુદને લડવાનું ન હોય કે આપણાં સ્વજનો કોઇ મરે નહીં ત્યાં સુધી યુદ્ધની ભયાનકતા સમજાતી નથી. અમે બેઠા હતા ત્યાં મથુર આવ્યો. મથુરે ગંભીર થઇ વાત માંડી. આ ચીનાઓએ આક્રમણ કર્યું છે એમાં હવે બે વાત છે. અમને નવાઇ લાગી. 'શું બે હશે એ?' અમે એક ચિત્તે મથુરની વાત સાંભળી. મથુર કહે, 'એક તો જાણે સૈનિકની જરૂર પડશે અને બીજી હથિયારની. હથિયારો તો એમ માનોને મળી રહેશે. પણ જો લશ્કરમાં જવાનોની જરૂર પડી તો એમાં બે વાત છે. કાં તો મરજિયાત ભરતી થશે અને કાં તો ફરજીયાત ભરતી થશે. મરજિયાત ભરતીમાં પૂરતા સોલ્જરો મળી જાય તો વાંધો નહીં પણ જો ફરજીયાત ભરતી થશે તો એમાં બે વાત છે. કાં તો માંદગીનું સિક સર્ટિફીકેટ રજૂ કરી ભરતીમાંથી બચી જવું અને કાં તો પછી લશ્કરમાં દાખલ થઇ જવું.'

જો ખોટાં સર્ટિફિકેટ હાલે અને બચી ગયા તો ઠીક પણ જો દાખલ થઇ જવું પડે તો એમાં બે વાત છે. કાં તો મોરચે લડવામાં મરી ફીટવું અને કાં તો જીતીને વિજયની હારમાળા પહેરી વાજતે-ગાજતે ગામમાં પ્રવેશવું. હવે જીતી જઇએ તો વાંધો નહીં. પણ જો શહીદ થઇએ તો બે વાત છે કાં તો સ્વર્ગમાં જઇએ અને કાં તો નરકમાં જઇએ. આમ તો વતન પર શહીદ થનાર સ્વર્ગમાં જ જાય એ દેખીતું છે. પણ જો નરકમાં જઇએ તો એમાં સૌ કહે બે વાત છે. મેં કહ્યુ: ના, એક જ વાત છે. આટલા દુ:ખી થવું. લશ્કરમાં ભરતી થવું, લડવું અને મરવું, પાછું વળી નરકમાં જવું તો પછી લડવું જ શા માટે? મથુરની વાત પૂરી થઇ.

મેં શેઠને કહ્યું: 'તમે પણ એમ વિચાર્ચું હોત કે ગોળીઓ, દોરડું, રિવોલ્વર અને ડૂબવું આટલો પ્રયાસ કરીને છેવટે બચવાનું હોય તો પછી મરવું જ શું કામ?' શેઠ ખુશ થયા અને પરિવારના સૌ શેઠને હસી પડયાં. મિત્રો, સંબંધીઓ, કામદારોએ સાથ આપ્યો. વેળા વળી, ફરી બંગલો, મોટર, સંપત્તિ, સુખ બધું મળ્યું. ઘણી વાર આજે પણ શેઠ કહે છે, કે, 'મારા મોજશોખ અને ભોગવિલાસ નીચે છુપાયેલું સત્ય એ વખતે હું જોઇ શકયો હોત અને સમજી શકયો હોત તો આત્મહત્યા કરવાનો દિવસ ન આવત.'

મોરિસ ફિડમેન પોલેન્ડમાં અન્જિનિયર હતા. નાનપણથી થિયોસોફિસ્ટ હતા. જીવનમાં ગૂઢ રહસ્યો પાનવા ભારત આવ્યા. બેંગલોરમાં એન્જિનિયર તરીકે સેવા આપી. વિનોબા અને ગાંધીજી સાથે રહ્યાં. સેવાગ્રામમાં અંબર ચરખાની શોધમાં મહત્ત્વનો ફાળો આપ્યો. રમણ મહર્ષિના આશ્રમમાં રહ્યાં. જિંદગીમાં ઘણા અનુભવોમાંથી ફિડમેન પસાર થયાં. બધું છોડી, ભગવો ઝભ્ભો પહેરી. ભારતાનંદ નામ ધારણ કરી, ઉઘાડા પગે દેશાટન કરવા નીકળી પડયા. કોઇ આપે તો ખાવું અને વૃક્ષ નીચે સૂઇ રહેવું. આવું જીવન પણ જીવ્યા. એક વાર ફિડમેનને વિચાર આવ્યો: આત્મહત્યા કરીને જીવનનો અંત લાવવો. કુદરત જિવાડવા ઇચ્ચતી હશે તો જીવી જઇશ નહીતર મૃત્યુ તો છે જ. આમ વિચારી મોરિસ ફિડમેને નદીમાં ઝંપલાવ્યું. પણ તે કિનારે ફેંકાઇ ગયા. એમણે ફરી ઝંપલાવ્યું. પણ ગમે તે કારણે બચી ગયાં. અને પાણીએ તેમને કિનારે ફંગોળી દીધા. ફિડમેને ત્રીજી વાર પ્રયાસ કર્યો અને છતાં એ જ રીતે બચી ગયા. નદીમાંથી બહાર આવ્યા. સામે જ રમણ મહર્ષિ મળ્યા. તેમણે તેમની વિગત જાણી એટલું જ કહ્યું: 'તમે તમારી જાતને મૂર્ખ બનાવવાનું બંધ કરો.' ત્યાર બાદ ફિડમેન જે. કૃષ્ણમૂર્તિ સાથે જોડાયા. કૃષ્ણમૂર્તિનાં પુસ્તકોના તેમણે પોલેન્ડ અને રશિયાની ભાષામાં અનુવાદો કર્યા. ફિડમેન વકતા અને લેખક પણ હતા.

જે. કૃષ્ણમૂર્તિ સાથેની ચર્ચામાં તેમણે કહેલું કે મને કોઇ મદદ કરે તેની રાહ જોઉ છું. કૃષ્ણમૂર્તિએ કહ્યું: 'તમને તમારી જાત સિવાય કોઇ જ મદદ કરશે નહીં. તમે કોઇની રાહ ન જોશો. તમે જાતે માત્ર જાગ્રત થાઓ.' બીજાઓને સાંભળવા કે વાંચવાને બદલે કોઇનું પણ અનુકરણ કરવાને બદલે તમારું ખુદનું જીવનપુસ્તક વાંચો. તમે પોતે પ્રફુલ્લિત થાઓ. પૂર્ણપણે વિકસો. મારી પ્રજ્ઞા એમ કહે છે કે તમને તમારી જાત સિવાય બીજુ કોઇ જ મદદ નહીં કરી શકે. જયારે તમે શોધતા નથી ત્યારે જ મદદ સ્વયં આવી પહોંચે છે. તમે તમારી વર્તમાન સ્થિતિને સમજવાની શરૂઆત કરો. કયાંક પહોંચી જવાની અધીરાઇ ન દાખવો.

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-hasyan-no-darbar-gujarati/

No comments:

Post a Comment