Thursday, 23 January 2014

[Vijay Kudal] [VijayKudal] Yeh jo hai ZIndagi (Gujarati)

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Yeh jo hai ZIndagi (Gujarati)'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

યે જો હૈ ઝિંદગી – ગીતા માણેક
ભગવાન ફક્ત મંદિરમાં નથી વસતા એ ખરું, પણ મંદિરના માધ્યમથી ભીતરના ભગવાન સુધી પહોંચી શકાય છે
 
તમે ક્યારેય મંદિરમાં ગયા છો? મંદિરમાં જઈને ઘંટ વગાડ્યો છે? તમે મંદિર કે દેરાસરમાં જઈને ક્યારેય ચંદનનું તિલક કર્યું છે? રોજ નહીં તો ક્યારેક મંત્રોચ્ચાર કર્યો છે?

ના, અહીં અમે તમે કેટલા ધાર્મિક છો એની પરીક્ષા લેવા નથી બેઠા. મોટા ભાગના હિંદુસ્તાનીઓ પૂજા-પાઠ, મંદિર કે અન્ય દેવસ્થાનમાં જવું, ટીલાં-ટપકાં કરવાં જેવી ધર્મ સાથે જોડાયેલી આ ક્રિયાઓ નિયમિત નહીં તોય ક્યારેક તો કરી જ લેતા હોય છે અને તમારામાંના મોટા ભાગનાઓએ પણ આ બધું રોજ નહીં તોય ક્યારેક તો કર્યું જ હશે. હવે સવાલ એ છે કે મંદિરમાં જઈને ઘંટ શા માટે વગાડવો એવો પ્રશ્ર્ન તમને ક્યારેય થયો છે ખરો? દીવો શા માટે કરવો જોઈએ? અગરબત્તી શા માટે પેટાવવાની? તિલક શા માટે કરવાનું?

વેલ, વર્ષો પહેલાં જ્યારે આવા સવાલો ઉપસ્થિત થતા ત્યારે એના જવાબો શોધવાના પ્રયાસોમાં કંઈક આવા જવાબો સાંપડેલા જે ઘણા ખરા લોકો આજે પણ આપશે જેમ કે, મોટા ભાગે એવો જવાબ મળશે કે મંદિરમાં ઘંટ વગાડવાનો ઈશ્ર્વરને જગાડવા માટે. તો શું ઈશ્ર્વર બહેરો છે? કોઈકે કહ્યું હતું કે જેમ આપણે કોઈના ઘરે જઈએ અને બેલ વગાડીએ એમ ઈશ્ર્વરના ઘરની એ બેલ છે. જો એવું જ હોય તો ઈશ્ર્વરને અંતર્યામી કેવી રીતે કહી શકાય? આ હિસાબે તો ઈશ્ર્વરનેય બિચારાને આપણે બેલ વગાડીએ ત્યારે ખબર પડે કે તેને મળવા કોઈક આવ્યું છે.

બીજા શબ્દોમાં કહીએ તો આવા બધા જવાબો વાહિયાત લાગ્યા હતા. કોઈક કહેતું કે આ બધું એટલા માટે કરવાનું કે એ પરંપરાગત છે. આપણા પૂર્વજો કરતા આવ્યા છે. એક વાર કુટુંબના એક નજીકના સભ્યનું મૃત્યુ થયું હતું ત્યારે કુટુંબની જ એક વયોવૃદ્ધ મહિલાને પૂછ્યું હતું કે બધા કહે છે કે આપણને સૂતક લાગે અને તેર દિવસ સૂતક લાગ્યું હોય એ ઘરનું ખાય કે પીએ નહીં તો આવું શું કામ? તે વડીલ પહેલાં તો કશું બોલ્યા નહીં પણ પછી તેમણે નિખાલસતાથી કબૂલ કર્યું કે મારી ૮૨ વર્ષની જિંદગીમાં મને કોઈએ ક્યારેય આવો સવાલ પૂછ્યો નથી. અને સાચું કહું તો આનું કારણ હુંય નથી જાણતી. વર્ષોથી આ પ્રથા ચાલતી આવે છે અને અમે એનું પાલન કરીએ છીએ બસ. 

નવી પેઢી ઈન્ટલિજન્ટ છે, વિચારશીલ છે અને એટલે તે આપણી આ બધી પરંપરાઓ વિશે સવાલ પૂછતી રહે છે. આપણે જવાબ આપી નથી શકતા એટલે તે પાશ્ર્ચાત્ય સંસ્કૃતિ તરફ વળે છે, કારણ કે ત્યાં તેમને બધી વાતના તાર્કિક જવાબ મળે છે અથવા પશ્ર્ચિમના વૈજ્ઞાનિકો આપણી ભારતીય રૂઢિઓ કે વિધિઓ વિશે સંશોધન કરે છે, આપણને એના તર્ક આપે છે અને ત્યારે આપણને સમજાય છે કે આપણી પાસે તો કેવો અમૂલ્ય ખજાનો છે! ફક્ત જૂની હિંદુસ્તાની પરંપરા અને વારસાનાં ગુણગાન ગાવાથી નહીં વળે, નવી પેઢીને સમજણ આપવી પડશે. આપણી પરંપરાઓ અને વિધિઓ પાછળ બહુ ઊંડી સમજ રહેલી છે. સૌથી પહેલાં આપણે એ સમજવું પડશે અને પછી એની સમજણ આપણાં બાળકોને આપવી પડશે. આપણે પણ વર્ષોથી મંદિરમાં ઘંટ વગાડતા રહ્યા છીએ, દીવો-અગરબત્તી કરતા રહ્યાં છીએ, ચંદનનું તિલક કરીએ છીએ અને માળા ફેરવતા રહ્યા છીએ પણ આપણે એવું શા માટે કરીએ છીએ એ જાણવાનો બહુ ઓછા લોકોએ પ્રયાસ કર્યો હશે. આમાંના ઘણા બધા પ્રશ્ર્નોના જવાબ અમને ઓશો પાસેથી, અન્ય પુસ્તકો તેમ જ કેટલાક જ્ઞાનીજનો પાસેથી મળ્યા જે વાચકો સાથે શેર કરવા છે. પહેલી વાર કે જો ઈશ્ર્વર સર્વત્ર છે, કણ-કણમાં વ્યાપ્ત છે એવું આપણાં શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો, ઋષિ-મુનિઓ અને સંતો કહેતાં આવ્યાં છે તો પછી ઈશ્ર્વરની મુલાકાત કરવા મંદિરમાં શા માટે જવું? કોઈ એક સ્થાન જેને મંદિર, મસ્જિદ કે ગુરુદ્વારા કહેવામાં આવે છે એવી ઈમારતની જરૂર જ શું છે?

દરેક ધર્મમાં આવી એક ઈમારત છે જ પછી એને નામ ભલે-અલગ-અલગ દેવામાં આવ્યાં હોય. જૈનોના એક સંપ્રદાય જ્યાં મૂર્તિપૂજા નથી નથી તેમનું પણ એક ધર્મસ્થાનક તો છે જ. આની પાછળ એક બહુ ગહન વિચારધારા અને વિજ્ઞાન પણ છે. 

મંદિર, મસ્જિદ કે અન્ય કોઈ પણ ધર્મ-સ્થાન એક એવું સ્થળ છે જ્યાં બેસીને તમે ઈશ્ર્વર સાથે ટ્યુનિંગ કરી શકો છો. જ્યાં સુધી આપણી અંદર ઈશ્ર્વર બિરાજમાન છે એ શબ્દો આપણે ફક્ત સાંભળ્યા જ છે, પણ આપણને એની અનુભૂતિ નથી, એ ઈશ્ર્વરને આપણે આપણી અંદર પોતે જોયો નથી ત્યાં સુધી તેની સાથે તાર જોડવા માટે મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારા અથવા દેરાસરનો ઉપયોગ છે. સંસારની ચહેલપહેલથી દૂર આપણી ભીતર અને બહારની ચેતના સાથેનો તાર જોડવા માટે આ ધર્મસ્થાનોનું નિર્માણ આપણા દૃષ્ટાઓએ કર્યું હતું. એ જુદી વાત છે કે મહદંશે એ મૂળ ઉદ્દેશ ભુલાઈ ગયો છે અને કાં તો સમજણ વિના અથવા આદત અનુસાર કે પછી આપણે આપણાં મા-બાપ કે વડીલોને મંદિરોમાં જતાં જોયાં છે અને તેમણે તેમના બાપ-દાદાને જોયા છે એટલે ધર્મસ્થાનોનાં પગથિયાં ઘસવાનું ચાલતું રહે છે. 

આ આખી વાતને ઓશોએ બહુ સરસ રીતે સમજાવી છે. તેમણે કહ્યું કે આ બધી પરંપરાઓ કે વિધિઓ એ ચાવી જેવી છે. આ ચાવીઓ વડે તાળાં ખોલીને ખજાનાઓ મેળવી શકાય એમ છે પણ આપણી કમનસીબી એ છે કે આપણને એ ખજાનાઓ ક્યાં છે એની જ ખબર નથી અને આપણે ફક્ત ચાવીઓ ઝુલાવતા ફરીએ છીએ. આપણને એ ખજાનાઓ ક્યાં છે, એના દરવાજા ક્યાં છે એની જાણ નથી. આ ચાવીઓ ધીમે-ધીમે કટાવા માંડી છે અને કારણ કે ખજાનો નથી મળતો એટલે આ ચાવીઓનો પણ હવે ભાર લાગવા માંડ્યો છે. 

આજે આપણે બધા જ મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ. મોબાઈલ વડે દૂર દેશમાં બેઠેલા આપણા સ્વજન સાથે માત્ર વાત કરી શકીએ છીએ એટલું જ નહીં પણ વિડિઓ કોન્ફરન્સિંગ કે ફેઈસ ટાઈમની મદદથી તેમના ચહેરા પણ જોઈ શકીએ છીએ. ધારો કે કોઈક કારણસર અથવા કોઈ કુદરતી આફત ત્રાટકે અને આ આખી મોબાઈલ ટેક્નોલોજી નામશેષ થઈ જાય. હવે આ જે સ્માર્ટફોન આપણે વાપરી રહ્યા છીએ એ માત્ર ડબલું થઈ જશે. આ ફોન આપણે સાચવી રાખીએ. આપણી ત્રીજી-ચોથી કે પાંચમી પેઢીના હાથમાં આ ફોન આવે તો તેને સમજાશે નહીં કે આ શું છે? શક્ય છે એને એ વાહિયાત વસ્તુ સમજીને ફેંકી દે. આજે આપણને જે હેન્ડસેટ કંઈક કેટલાંય કામ માટે ઉપયોગમાં આવે છે એ નકામો લાગશે. મંદિરો એ આપણા હાથમાં રહી ગયેલા એ હેન્ડસેટ જેવા જ છે જેની ટેક્નોલોજીની આપણને જાણકારી નથી! આ એ હેન્ડસેટ છે જે ઓપરેટ કરતાં આવડી જાય તો ઈશ્ર્વર સાથે ડાયરેક્ટ ડાયલિંગ થઈ શકે. જોકે એ પણ સત્ય છે કે જો કનેક્ટ કરતાં ન આવડે અથવા તો એ ટેક્નોલોજી ન હોય તો એ હેન્ડસેટ ડબલાથી વિશેષ કશું જ નથી. જો કનેકશન ન થતું હોય તો ગમે તેટલી વાર એ હેન્ડસેટને હાથમાં પકડી રાખો કે એ બટનો દબાવ્યા કરો કોઈનોય સંપર્ક થઈ શકે નહીં. માત્ર મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા કે ચર્ચનાં પગથિયાં ઘસ્યે રાખવાં એ સિમકાર્ડ, નેટવર્ક કે મોબાઈલ ટેક્નોલોજી વિનાના હેન્ડસેટને હાથમાં ફેરવ્યા કરવા બરાબર જ છે. 

હકીકતમાં ધર્મસ્થાનોના નિર્માણ પાછળ આપણા પૂર્વજોની બહુ સૂઝબુઝ છે. હિંદુસ્તાનના પ્રાચીન અથવા તો સ્થાપત્ય કળાની સમજણ સાથે બાંધવામાં આવેલાં મંદિરોની વાત કરીએ તો આપણે ત્યાં મંદિરોમાં ગુંબજ હોય છે. આ ગુંબજ ફક્ત એ ઈમારત સુંદર દેખાય એ માટે નથી, આ ગુંબજ આકાશનું પ્રતીક છે. આપણે આકાશ નીચે બેસીને ઓમ કે અન્ય કોઈ મંત્રનો ઉચ્ચાર કરીએ તો એ ધ્વનિ ફેલાઈ જશે, ખોવાઈ જશે, કારણ કે આપણી ઉચ્ચાર કરવાની શક્તિ સીમિત છે. આ જ ઉચ્ચાર જ્યારે આપણે આ વિશેષ બાંધણીવાળા એટલે કે ગુંબજ ધરાવતા મંદિરમાં બેસીને કરીએ છીએ ત્યારે એ ધ્વનિ-તરંગો આપણા પોતાની તરફ પાછા વળે છે. આપણે કરેલા મંત્રોના ઉચ્ચારનો પ્રતિધ્વનિ આપણા સુધી પાછો આવે છે. 

સાઉન્ડ-વાઈબ્રેશન અથવા ધ્વનિ-તરંગો પર હવે તો બહુ બધું સંશોધન થયું છે પણ આપણા પૂર્વજોએ તો એ જમાનામાં આ ઈમારતો બનાવી હતી જ્યારે આવાં કોઈ અત્યાધુનિક સાધનો તેમની પાસે નહોતાં. ઈમારતનો ગુંબજ જેટલો ગોળ એટલી સરળતાથી ધ્વનિ પાછો ફરશે અને એટલે વધુ પ્રતિધ્વનિ પેદા કરશે એની તેમને સમજણ હતી. મંદિરોના નિર્માણમાં એવા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો જે આ પ્રતિધ્વનિ વધુ સારી રીતે કરી શકે. 

ઘણા લોકોને જોયા છે જે એક રિચ્યુઅલ મુજબ એટલે કે જેમ દરરોજ સવારે ઊઠીને નહાવાનું, ખાવાનું એ જ રીતે મંદિરે જવાનું એ જ યંત્રવત્તાથી મંદિર જતા હોય છે. મંદિરમાં પ્રવેશી, માથું ટેકવી અને બહાર નીકળી જતા હોય છે. કેટલાક લોકો મંદિર પાસેથી પસાર થાય ત્યારે બહારથી જ માથું નમાવી લેતા હોય છે. અહીં તેમની ટીકા કરવાનું પ્રયોજન નથી. કમસે કમ આ બહાને ઘડીભર માટેય તેમને ઈશ્ર્વરની યાદ આવી જાય છે એ પણ કંઈ નાનીસૂની વાત નથી, પણ મંદિરોના સર્જન પાછળનો હેતુ આટલો જ નહોતો. મંદિરમાં જવાની, બેસવાની એક રીત છે. મંદિરમાં કે કોઈ પણ પૂજાસ્થળમાં આસન પર બેસવામાં આવે છે, કારણ કે જ્યારે તમે કોઈ પણ સાધના કરો છો ત્યારે શરીરમાં એક ઊર્જાનું નિર્માણ થાય છે. આ ઊર્જા ધરતીમાં ન જતાં તમારા પર પાછી ફરે એ માટે આસન પાથરવામાં આવે છે. મંદિર હોય કે ઘરમાંનું પૂજાસ્થાન હોય, ત્યાં પૂજા-પાઠ કે મંત્ર-જપ કરવા બેસીએ ત્યારે પલાંઠી વાળીને અથવા પદ્માસન કે સિદ્ધાસનમાં બેસવાનું કહેવામાં આવે છે. આની પાછળ પણ વિજ્ઞાન છે. આવા આસનમાં એટલે કે પગ જોડીને તેના પર આપણા હાથ ગોઠવીએ છીએ ત્યારે આપણા શરીરની ઊર્જા વર્તુળાકારમાં ફરે છે. આપણા શરીરની આ ઊર્જા અથવા વિદ્યુત બહાર ન જતાં એક સર્કિટનું નિર્માણ કરે છે. આ સર્કિટ બનાવતાં આવડી જાય અને એના પર હથોટી આવી જાય તો વિચારોનો કોલાહલ સહજતાથી કાબૂમા આવી જાય છે મનને મારીમચડીને એકાગ્ર કરવું નથી પડતું, પણ એ એકાગ્ર થવા માંડે છે. ભીતરની ચેતના સાથે જોડાણ કરવામાં સુગમતા થાય છે. આ જ આખી પ્રક્રિયા જ્યારે ગુંબજ આકાર નીચે બેસીને કરીએ છીએ ત્યારે મંત્રોના ઉચ્ચારણ દ્વારા કરવામાં આવેલો ધ્વનિ અને એનો પ્રતિધ્વનિ જે ગુંબજ પર અથડાઈને, સમેટાઈને આપણા પર પાછો ફરે છે એની સાથે આપણી ભીતરની ઊર્જાનું તાદાત્મ્ય સર્જાય ત્યારે અદ્ભુત પરિણામ આવે છે. ભગવાન ફક્ત મંદિરમાં નથી વસતા એ સત્ય છે, પણ મંદિર માધ્યમ બની શકે છે ભીતરના ભગવાન સુધી પહોંચવાનું. મંદિરમાં જઈને ઘંટ શા માટે વગાડવામાં આવે છે? દીવા-અગરબત્તી અને આ બધી વિધિઓનું પ્રયોજન શું છે એની વધુ વાત કરીશું આવતા અઠવાડિયે.

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-yeh-jo-hai-zindagi-gujarati/

No comments:

Post a Comment