Tuesday, 21 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati article by Dr Kalpana Dave

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati article by Dr Kalpana Dave'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

હિંમતે મર્દા તો મદદે ખુદા…
મારું આકાશ ક્યાં?…. – ડૉ. કલ્પના દવે
'રૂપાબહેન, આટલી બધી રકમ એકસાથે મળી છે તો જરા સાચવીને મૂકી રાખજો. સંબંધ લાખ રૂપિયાના હોય, પણ પૈસાને લીધે ભલભલાની નિયત બગડી જાય છે. અમે ભાનુભાઈને ઓળખીએ છીએ, તમે પૈસાની બાબતમાં ભોળવાતાં નહીં'
 
ભારત હોમ એપ્લાયન્સિસ એન્ડ ઈલેક્ટ્રોનિક સર્વિસ સેન્ટરમાં ૩૦ વર્ષનો ભાનુપ્રસાદ એટેન્ડન્ટ તરીકે નોકરી કરતો હતો. ટૂંકી આવક અને ઓછું ભણતરને કારણે સારા પગારની નોકરી તેને મળી ન શકવાથી ભાનુપ્રસાદ હંમેશાં માનસિક તાણ અનુભવતો હતો. વિરારથી પાર્લા સુધી નોકરી માટેની હાડમારી વેઠતો અને જિંદગીના મોજશોખ માણી શકતો નહીં.

તેવામાં મોટા ભાઈ જગદીશનું રોડ અકસ્માતમાં નિધન થયું એટલે જગદીશભાઈના કુટુંબની જવાબદારી એના શિરે આવી પડી. તેની રૂપા ભાભીની અને ૬ વર્ષના ભત્રીજા રાહુલને ઉછેરવાની જવાબદારી હવે ભાનુપ્રસાદની હતી. મોટા ભાઈ જગદીશ કાંદિવલીની એક સહકારી બેંકમાં પ્યુનનું કામ કરતા હતા એટલે ઝાઝી મૂડી જમાવી શક્યા ન હતા. ભાનુપ્રસાદના પિતાનું અવસાન તો એ પાંચ વર્ષના હતા ત્યારે જ થઈ ગયું હતું અને બે વર્ષ પહેલાં જ એમણે માતાની ગોદ ગુમાવી ત્યારે આ રૂપાભાભીએ જ સધિયારો આપ્યો હતો. આજે મોટા ભાઈના નિધનથી નોધારા બનેલાં રૂપાભાભી અને રાહુલને હિંમત બંધાવતાં ભાનુપ્રસાદે કહ્યું: 

'ભાભી, હું છુંને તમારો નાનો ભાઈ. તમે કોઈ વાતે ઓછું ન આણતાં. હું આપણા રાહુલને ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવીશ.'

'ભાનુભાઈ, હવે અમારું તમારા સિવાય કોણ છે? મારો ભાઈ મને રાજકોટ તેડાવે છે, પણ તમને એકલા મૂકીને મારા નથી જવું. હું તો અહીં તમારી સાથે જ રહીશ.' જગદીશભાઈના નિધનની વ્યથા અસહ્ય હોવા છતાં રૂપા અને ભાનુપ્રસાદ એકમેકને હિંમત બંધાવતાં. નાનકડો રાહુલ 'પપ્પા… પપ્પા… ક્યાં ગયાં?', 'મારા પપ્પાને શું થયું?' આવા વેધક પ્રશ્ર્નો પૂછે ત્યારે ભાનુપ્રસાદ તેને વાત્સલ્યથી ભીંજવી દેતો. 'તારા પપ્પા ભગવાનને ઘેર ગયા, પણ રાહુલ, હું અને મમ્મી તારી સાથે છીએ…'

જગદીશભાઈના મૃત્યુ પછીના એક મહિનો થયો હશે ત્યારે એક વાર એમની બેંકના મેનેજરસાહેબ અને દેસાઈમેડમ રૂપાને ઘરે મળવા આવ્યાં.

મનેજરે કહ્યું: 'અમે તમારી વેદના સમજી શકીએ છીએ, પણ… મૃત્યુ સામે આપણે લાચાર છીએ. રૂપાબહેન, અમે તમને જગદીશની જગ્યાએ બેંકમાં નોકરી આપવા તૈયાર છીએ.'

રૂપાએ નમ્રતાપૂર્વક કહ્યું: 'સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર, પણ મારી મુશ્કેલી એ છે કે વિરારથી કાંદિવલી સુધી મારે આવવું પડે. મારો છ વર્ષનો રાહુલ હું કોના ભરોસે મૂકું? એટલે મને અહીં નજીકમાં કંઈ કામ મળશે તો હું કરીશ અથવા હું મારા ઘરેથી ટિફિન સર્વિસ શરૂ કરવા વિચારું છું જેથી ઘર પણ સચવાય અને ઘર ચલાવવા જેટલા પૈસા પણ મળી રહે.'

બેંકના મેનેજરે કહ્યું: 'રૂપાબહેન, બીજું કંઈ કામ હોય તો તમે અમને મળી શકો છો, કોઈ વાતે મૂંઝાતાં નહીં.'

રૂપાબહેનથી ડૂસકું લેવાઈ ગયું. દેસાઈ મેડમે હિંમત આપતાં કહ્યું 'રૂપાબહેન હિંમત રાખજો અને દીકરાને ખૂબ ભણાવજો.'

પછી મેનેજરસાહેબે રૂપાબહેનને એક લાખ અને પચાસ હજારનો ચેક આપતાં કહ્યું, 'આ જગદીશભાઈની બેંકમાં જમા થયેલી થોડી રકમ છે. તમે તમારા ખાતામાં જમા કરાવી રાખજો. બીજું બેંકના સ્ટાફે ભેગા થઈને રૂ. ૧૦,૦૦૦ની રોકડ રકમ તમારા કુટુંબ માટે મોકલી છે. એ લઈ લો…'

'સાહેબ, તમારા બધાનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું.'

'રૂપાબહેન, આટલી બધી રકમ એકસાથે મળી છે તો જરા સાચવીને મૂકી રાખજો. સંબંધ લાખ રૂપિયાના હોય, પણ પૈસાને લીધે ભલભલાની નિયત બગડી જાય છે. અમે ભાનુભાઈને ઓળખીએ છીએ, તમે પૈસાની બાબતમાં ભોળવાતાં નહીં,' દેસાઈ મેડમે કહ્યું.

રૂપાએ કહ્યું…, 'ના…ના, મારા ભાનુભાઈ તો અમારું ખૂબ ધ્યાન રાખે છે. 

'રૂપાબહેન, ભાનુભાઈ બેંક પર જગદીશની બચત થયેલી રકમ માગવા આવ્યા હતા, પણ અમે કહ્યું કે અમે રૂપાબહેનને જ આપીશું. દેસાઈ મેડમની વાત ધ્યાનમાં રાખજો.' પછી મેનેજરસાહેબે એમનું કાર્ડ આપ્યું અને દેસાઈ મેડમે એમને પોતાનો ફોન નંબર આપ્યો. 

તે જ રાત્રે અગિયાર વાગે ભાનુપ્રસાદ દારૂમાં ધૂત થઈને ઘરે આવ્યો.

ભાનુભાઈની હાલત જોઈને રૂપા અકળાઈ ગઈ. એણે કહ્યું: 'આ શું ભાનુભાઈ, તમે દારૂ પીધો? તમને દારૂ પીતાં શરમ ન આવી?'

દારૂના નશામાં ધૂત થયેલા ભાનુભાઈની આંખો લાલચોળ થઈ ગઈ હતી. લથડતે પગે ચાલતાં, આંખોને ગોળગોળ ઘુમાવતાં એ બોલ્યો: 'સાલો… શેઠ… ગધેડા જેટલું કામ કરાવે છે, પણ એક દમડી પગાર વધારતો નથી.'

'તે… શેઠ પગાર ન વધારે એટલે દારૂ પીવાનો?

'સાલાએ મગજ ફેરવી કાઢ્યું… અને એ પણ લેડીઝ કસ્ટમર સામે જ મારી બેઈજ્જતી કરી.'

'પણ દારૂ પીવાથી નુકસાન કોને થવાનું? તમને કે તમારા શેઠને?'

'જગીશભાઈ હોત ને તો હમણાં એની નોકરીને લાત મારી દેત, પણ… તું શા માટે મને શિખામણ આપે છે. ચૂપ મરને, નહીં તો હમણાં તને પણ ઢીબી નાખીશ!'

પોતાને તુંકારે બોલાવનાર ભાનુભાઈનું આ રૂપ જોઈ રૂપા તો ડઘાઈ જ ગઈ, તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. નાનો રાહુલ ઊંઘમાંથી ઝબકી ગયો. પથારીમાંથી બેઠો થઈને રૂપા સામે જોઈને બોલ્યો… 'મમ્મી… મમ્મી, શું થયું? કાકા કેમ આટલા મોટા અવાજે બોલે છે?'

'કંઈ નહીં, બેટા, તું સૂઈ જા…' રાહુલને પીઠ થાબડતાં રૂપાએ એને ફરીથી સૂવડાવી દીધો. 

ભાનુપ્રસાદનો બબડાટ હજુ ચાલુ હતો. પોતાને થયેલું અપમાન ગળી જતાં રૂપાએ વિચાર્યું, 'દારૂ પીધેલાને થોડું કંઈ ભાન હોય છે? ભાનુભાઈ સિવાય મારું કોણ? ભાનુભાઈને સમજાવતાં એણે ફરીથી કહ્યું: ભાનુભાઈ, હવે તમે દારૂ ન પીતા. આ રાહુલના સમ ખાઓ. કે હું દારૂ નહીં પીઉં. ભાઈ, તમે ઓછું કમાશો તો આપણે ઓછામાં ઘર ચલાવીશું, 

પણ આમ દારૂ થોડી પિવાય? આ તો બરબાદીનો મારગ છે. ને ભાઈ, મારે તો દેરાણી લાવવી છે જલદી. તમે દારૂ પીશો તો કઈ છોકરી તમને પરણશે?'

'બસ… બસ… ભાભી, ચૂપ થઈ જાઓ. તમારી ઉપદેશકથા માટે નથી જોઈતી. મારાં લગનની ચિંતા ન કરો. તમે તમારું સંભાળો તો બસ… 'ભાનુપ્રસાદના આવાં કડવાં વચનોથી રૂપાને ખૂબ લાગી આવ્યું. ડૂસકાં લેતાં લેતાં જ એ નિદ્રાધીન થઈ ગઈ… ભાનુપ્રસાદ પણ બબડાટ કરતો સૂઈ ગયો. 

બીજે દિવસે સવારે રૂપાએ ભાનુભાઈ માટે ટિફિન બનાવ્યું અને પછી ચા-નાસ્તો ટેબલ પર મૂકતાં કહ્યું:

'ભાનુુભાઈ, ગઈ કાલે તમારી ભાઈની બેંકના મેનેજર સાહેબ અને દેસાઈ મેડમ આવ્યાં હતાં. મેનેજર સાહેબે તમારા ભાઈની બચતના દોઢ લાખ રૂપિયાનો આ ચેક આપ્યો છે… અને બેંકના સ્ટાફે ૧૦,૦૦૦ રૂ. રોકડા ભેગા કરીને મોકલ્યા છે.'

ગઈ રાતની કડવાહટ ભૂલીને રૂપાએ નિર્મળભાવે બધી સત્ય હકીકત જણાવી. ભાનુભાઈએ ચેક અને રોકડ રકમનું કવર હાથમાં લીધું પછી ઠાવકું મોં રાખીને બોલ્યા: 'ભાભી, શું કરવાનું છે આ ચેક અને રોકડ રકમનું?'

'ભાનુભાઈ, વિરારની મારી બેંક છે એ ખાતામાં જમા કરાવી દેજો.'

'હા…હા… આજે જ જમા કરાવી દઈશ. તમે કહેશો તેમ.'

ભાનુુભાઈના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ. બીજી તરફ રૂપાભાભીના ભોળપણ પર હસવું આવતું હતું. 

ઉપરના પ્રસંગને પંદરેક દિવસ થઈ ગયા. ભાનુભાઈ જાણે એકદમ ઠાવકા થઈ ગયા હોય એમ વર્તવા લાગ્યા. રાત્રે નવ વાગે આવ્યા ત્યારે રાહુલ માટે એક બાબાસૂટ અને રમકડું લઈ આવ્યા અને ભાભી માટે એક સાડી લઈ આવ્યા. રૂપાભાભીને હાથમાં આપતાં ભાનુપ્રસાદે કહ્યું:

'ભાભી, મારે તો તમે અને રાહુલ ખુશ રહો એટલું જોઈએ… ભાભી, તમે કોઈ વાતે મૂંઝાતાં નહીં હોં, હું ખૂબ કમાઈશ.'

રૂપાએ કહ્યું. 'ના રે ભાઈ, તમે મારી અને રાહુલની આટલી કાળજી રાખો પછી હું શા માટે મૂંઝાઉં?'

'ભાભી, હું અને મારો મિત્ર પેલો મારવાડી છે ને… અમે બંને નવો ધંધો શરૂ કરવાના છીએ-બસ… તમે આશીર્વાદ આપો. મારે આ શેઠની ગુલામીમાંથી છૂટવું છે. પોતાનો ધંધો હોય તો મહેનત પ્રમાણે પૈસા તો મળે?' ભાનુભાઈએ હરખાતાં હરખાતાં કહ્યું. 

'તે ભાઈ, તમે શેનો ધંધો કરવાના છો?'

'ભાભી… રેડીમેડ ગારમેંટ્સનો અને સાથે સાથે પૈસા વ્યાજે આપવાનો.'

'તે ભાઈ, ધંધો શરૂ કરવા માટે પૈસા રોકવા પડેને?'

'અમે બંને હું અને મારવાડી પ૦,૦૦૦ રૂ. રોકીશું. થોડો માલ લઈ આવીશું, બાકીના પૈસા વ્યાજે ફેરવીશું.' 

'આ ધંધો ક્યાં કરશો? તમે પ૦,૦૦૦ રૂ. કેવી રીતે રોકશો?'

'બસ ભાભી, એટલે જ તમારું કામ છે. હમણાં જે પૈસા તમે બેંકમાં જમા કરાવ્યા છે એમાંથી પ૦,૦૦૦ રૂ. મને ધંધો કરવા આપો.'

'ભાઈ, મારી પાસે તો જે ગણો તે આ જ મૂડી છે.'

'ભાભી, હું તમને પરત કરી દઈશ. દર મહિને પ,૦૦૦ રૂ. તમારા ખાતામાં હું જમા કરીશ. બસ દસ-બાર મહિનામાં તમારી રકમ તમને મળી જશે. મને આગળ વધવાની તક આપો. 

ભાભી, ક્યાં સુધી શેઠની ગુલામી કરવાની?'

રૂપાભાભીનું મન પીગળ્યું. ભાનુભાઈની વાત પર એને વિશ્ર્વાસ બેઠો. એણે પ૦,૦૦૦ રૂ.નો ચેક ભાનુભાઈને લખી આપ્યો.

ભાનુભાઈ નવાં ધંધામાં જમાવટ કરવા લાગ્યા. મારવાડીની દુકાનના અડધા ગાળામાં ભાનુભાઈના રેડીમેડ ગારમેંટ્સનો ધંધો ચાલતો. પૈસા વ્યાજે આપવાની તરકીબ તો મારવાડી જ સંભાળતો… ભાનુભાઈને તેમાંથી કોઈ વળતર મળતું નહીં. 

છ મહિના થઈ ગયા પછી રૂપાએ પોતાના પૈસા વિશે ભાનુભાઈને યાદ કરાવ્યું, 'ભાનુભાઈ, પેલા પ૦,૦૦૦ રૂ.માંથી તમે કેટલા પરત કરો છો?'

ભાનુભાઈ ઉડાઉ જવાબ આપતા હતા. એક વાર તેમણે ભવાં ચઢાવીને રૂપાને કહ્યું. 'હમણાં મારી પાસે નથી. જ્યારે સગવડ થશે ત્યારે આપી દઈશ. મારવાડીની જેમ ઉઘરાણી કરવાની જરૂર નથી.'

'ભાઈ, તમે દર મહિને પ,૦૦૦ રૂ. આપવાના હતા.'

'હા…હા… ખબર છે,… પણ ધંધો જામતો નથી અને તમારા પ૦,૦૦૦ રૂ. લઈને ભાગી નથી જવાનો…'

'જો ભાઈ, ટિફિન સર્વિસ કરી હું ઘર ચલાવું છું… અને આ તમારા ભાઈની બચતના રાહુલ માટે રાખેલા પૈસા છે.' 

'હા, હા, વારંવાર યાદ ન કરાવો કે તમે મને પૈસાની મદદ કરી છે. હું તમારો કરજદાર છું.'

રૂપાને દેસાઈ મેડમના શબ્દો યાદ આવ્યા… 'સંબંધ લાખ રૂપિયાના હોય, પણ… ભલભલાની નિયત બગડી જાય છે.'

રૂપાએ મનમાં નિશ્ર્ચય કર્યો હવે જેમ બને તેમ જલદી મારા પૈસા માગી લેવા. રૂપા જ્યારે પણ પૈસા માગે ત્યારે ભાનુપ્રસાદ ઝઘડો કરે. 

એક રવિવારે રૂપાએે કહ્યું: ભાનુભાઈ, મારા પૈસા પરત કરો નહીં તો પૈસા કઢાવતાં મને પણ આવડે છે…' આ વાત પર ભાનુપ્રસાદ વીફર્યો અને રૂપાને પોતાના પટ્ટા વડે ફટકારી. 

હીબકા લેતાં લેતાં રૂપાએ કહ્યું: 'તમે… મારા પર હાથ ઉગામ્યો? હવે હું તમારી સાથે નહીં રહું. હું મારા રાહુલને લઈને બીજે ક્યાંક જતી રહીશ, પણ તમારી સાથે નહીં રહું… અને હા, સીધી રીતે પ૦,૦૦૦ રૂ. નહીં ચૂકવો તો પોલીસ ફરિયાદ કરી ઠેકાણે લાવતાં હું નહીં અચકાઉં.'

બીજે જ દિવસે રૂપાએ પોતાના ભાઈને મુંબઈ બોલાવ્યો, તેની માસીના ભાઈ સાથે રહેવા અંધેરી ચાલી ગઈ. માસીના ભાઈ પ્રકાશે કહ્યું, 'બહેન, એને ઠેકાણે પાડીશું. હિંમતે મર્દા તો…'

રૂપાએે આકાશ તરફ જોયું ત્યાં નવો સૂરજ ઝળહળી રહ્યો હતો.

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article-by-dr-kalpana-dave/

No comments:

Post a Comment