Monday, 13 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati Hasya Lekh…

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati Hasya Lekh…'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

સિંગાપોરની સફર
હાસ્યનો દરબાર – શાહબુદ્દીન રાઠોડ
આ નાનકડા સિટી સ્ટેટે માનવીની પાયાની જરૂરિયાતોની સમસ્યા હલ કરી છે. એક જ નગરના આ રાજ્યે માનવી જો સમજણપૂર્વકનો કઠોર પરિશ્રમ કરે તો કેવું સર્જન કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે
 
જીવનમાં જીવ્યા કરતાં જોયું ભલું અને સિંગાપોરમાં જેટલું જોવાય એટલું જોઇ લેવાનો નિર્ણય અમે કર્યો. સિંગાપોરમાં ઈન્ટરનેશનલ ચાંગી એરપોર્ટની તો ઉતરતાં જ ઝાંખી થઇ ગઇ. વિશાળતા, સ્વચ્છતા, સુંદરતા અને પ્રવાસીઓની સુવિધા. તમામ આ એરપોર્ટમાં મને જોવા મળ્યું. ફ્રેંકફર્ટ, બ્રસેલ્સ, લંડન, ન્યૂયોર્ક, લોસ એન્જલસ, મુંબઇ વગેરેનાં એરપોર્ટ જોવાની તક મળી છે. પણ ૧-૭-૧૯૮૧ના રોજ ખુલ્લું મુકાયેલું ચાંગી એરપોર્ટ તમામમાં સાવ અનોખુ છે. દર કલાકે પાંચ હજાર પેસેન્જરોને સુવિધા પૂરી પાડવા માટે આ એરપોર્ટ સક્ષમ છે. ડયૂટી ફ્રી શોપ્સની વિવિધતા અને ભવ્યતા. પાણીનોે ધોધ, પૂરતી લિવિંગ સ્પેસ, લાંબા અંતરે પહોંચવા માટે એકસલેટર- અહીં ઘણાં પ્રવાસીઓ આવે છે. એટલે જ પચાસથી વધુ ફાઇવસ્ટાર હોટેલ્સ છે અને બાવનથી વધુ વીઆઇપી લકઝુરીયસ સ્ટોર્સ છે. પૈસાની છનાછન છે. વિપુલ પ્રમાણમાં સમૃદ્ધિ છે. સમૃદ્ધિનું ઉપાર્જન કરવું એ ખરેખર મહત્ત્વનું કાર્ય છે અને ખૂબ કઠિન કામ છે. સંપત્તિ અને સંપત્તિવાન જાણ્યે-અજાણ્યે ઇર્ષાને પાત્ર બને છે. દેશવાસીઓ પાસે પૂરતા વસ્ત્રો નથી. આ સમસ્યા હલ કરવાના બે રસ્તા છે. જેની પાસે વધુ વસ્ત્રો હોય તે માત્ર બે જોડી જ રાખે જેથી અન્યને એનો લાભ મળી શકે. બીજો માર્ગ છે કાપડની મિલો ઊભી કરવી અને એટલું ઉત્પાદન કરવું કે તમામને કપડાં મળી રહે. આ માર્ગ સાચો અને આ માર્ગ ખોટો એની ચર્ચામાં ઘણી વાર સમસ્યા જ ભૂલી જવાય છે.

અમે મથુરને પરણાવવા નીકળ્યા. ગાડામાં જાન રાયસંગપર જવાની હતી. જેની પાસે ગાડું હોય એને જાનમાં આવવાનાં આમંત્રણ અપાયાં હતાં. અમારા ગામ થાનગઢમાં એક માત્ર પરશુરામ પોટરી પાસે લાલ મોઢાવાળો ઇન્ટરનેશનલ ખટારો હતો. ગામની જાન બધી એ ખટારામાં જતી. ત્યારે મેનેજર શ્રી વી. એસ. દેવધર સાહેબ હતાં. લોકો ખટારા માટે પ્રથમ દેવધર સાહેબને કહેતા, 'સાહેબ આપને જાનમાં પધારવાનું છે' અને પછી ધીરેથી કહેતા 'આપના ખટારામાં જવાનું અમે નક્કી કરી નાંખ્યું છે.' દેવધર સાહેબ ખૂબ ભલા હતાં. ભારતનાં ચાર સિરેમિસ્ટોમાં એક તેઓ હતાં. સાહેબ તરત કહેતા. 'ખટારો લઇ જજો. હું નહીં આવી શકું.' પછી તો સાહેબને કોઇ જાનનું આમંત્રણ આપે કે તરત કહી દેતા. 'ખટારો લઇ જજો. હું ડ્રાઇવર જગનભાઇને કહી દઇશ.' જગનભાઇ પણ એવા જ માયાળું હતાં. એક વાર ડો. ઘનશ્યામ રાણા, દલપતરામ જોષી, દાજીબાપુ, સામત ઘેલા સાપરા અને હું ગામડામાં વિઝિટે ગયેલા. સમગ્ર કોળીની નાતમાં સામત ઘેલા એક પૂછયા ઠેકાણું ગણાતું. 'સામત વગર દાકતર ડગ નો દે.' એમ નાતના સૌ કહેતાં. એ વખતે બુશકોટની નવી ફેશન નીકળેલી અને સુધરેલા ભણેલગણેલ બનિયાન પર બુશકોટ પહેરતાં. નાતમાં જામો પાડવા સામતે પાટલૂન માથે બનિયાન અને ઉપર બુશકોટ પહેર્યા હતાં. પણ ગામના જે જુએ ઇ કહેતા કે, 'સામત ભાઇજીને કોટ હેઠે પહેરવા પહેરણ નથી. બાયું વગરનો કોટ એમ ને એમ પહેર્યો છે. 'હું ગામડામાં શિક્ષક હતો. ૧૯૫૬માં ત્યારે શાળાંતનો ૬૦ રૂપિયા પગાર હતો અને એસ. એસ.સી. પાસનો ૭૦ રૂપિયા. મને અને મારા મિત્ર વજુભા રાણાને સિત્તેર રૂપિયા પગાર મળતો. બીજા શિક્ષકો અમે પગાર લેતા ત્યારે જોઇ રહેતાં. પણ ગામડામાં મને પટેલિયાઓ પૂછતા, 'માસ્તર, તમારો પગાર કેટલો છે?' હું ગૌરવથી કહેતો, 'સિત્તેર રૂપિયા.' તરત જ પટેલ કહેતા, 'બસ! સિત્તેર જ રૂપિયા! અમે સાથીને બસ્સો રૂપિયા આપીએ છીએ.'

મને પછી ખબર પડી કે આ લોકો બાર મહિનાના સિત્તેર સમજે છે. કવિ દલપતરામે ગુજરાતી ભાષા શીખવાના સર એલેકઝાંડર ક્ધિલોક ફાર્બસ સાહેબે ૪૦ રૂપિયા કીધા. ત્યારે ફાર્બસ સાહેબે પોતાની અશક્તિ દર્શાવી. 'હું માત્ર વીસ આપી શકું' તેમ કહ્યું. દલપતરામ આનાકાની કરતા હતા. પછી ખબર પડી કે ફાર્બસ સાહેબ મહિનાનો વીસ રૂપિયા પગાર આપવાનું કહેતા હતાં. જયારે દલપતરામ બાર મહિનાના ચાલીસ માંગતા હતાં. દર મહિને વીસ એમ જયારે દલપતરામને ખબર પડી ત્યારે એ ખુશ થઇ ગયા અને તરત સંમત થયા.

ડોકટર ઘનુકાકા એક સ્ત્રી દર્દીને તપાસી રહ્યા હતાં. તેમણે બેટરી મંગાવી. આંખ સામે લાઇટ ફેકતાં જ બાઇ બેબાકળી ઊભી થઇ ગઇ. ડોકટરે કહ્યું, 'આને તો હડકવા છે.' અને જેટલા ભેગાં થયા હતાં એ ભાગ્યા. કોઇ પડી ગયા. કોઇ થાંભલી હારે ભટકાણા. અમે દોડી ખટારા માથે ચડી ગયાં. જગનભાઇ અમારી પહેલા ચડી ગયેલા. અમે કહ્યું, 'જગનભાઇ, હાંકો ખટારો ઝટ, ઘનુકાકા પણ આવી ગયા. જગનભાઇ કહે, 'પહેલાં બાઇ આડા પાંચ જણા ઊભા રહો પછી હેઠો ઊતરું. પૂરતી સંરક્ષણની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી ત્યારે જગનભાઇએ પાઇલોટ કેબિનમાં બેસી વિમાન ચલાવે એેમ કેબિનમાં દાખલ થઇ ખટારો મારી મૂકયો. સામત કહે, 'આજ ગામમાં મોહનબાપાને કૂતરું કરડયું હતું એટલે એણે કાગળમાં આઠ-દસ નામની યાદી બનાવી. મેં પૂછયું. 'મોહનમામા! શું જમવાના નોતરા દેવાના છે?' મોહનમામા કહે, 'ના આ તો મને કૂતરું કરડયું છે ને હડકવા હાલે તો કોને કોને કરડવું તેની યાદી તૈયાર કરું છું.'

એક વાર તો માલા ડોસાએ આખા ગામનો વહેવાર થંભાવી દીધો હતો. અમે પૂછયું. 'શું કામ?' સામત કહે, માલા ડોસાને રાતે સપનું આવ્યું ઇ સપનામાં ગામના પાંચ જણાએ એમને માર્યા. સારી પેઠે માર્યા છે. મહિનાનો ખાટલો થયો. પગ ભાંગ્યો. હાથ મરડી નાખ્યો. વાંહામાં સોટા માર્યા. જે કાંઇ થિયું ઈ બધું સપનામાં પણ સવારે માલા ડોસો ઊઠયા. લાકડી લીધી હાથમાં અને ખિજાઇને હબેઠા. લાલઘૂમ આંખથી બધાને જોવા મંડયા. મને ખબર નહીં હું તે દી અહીં આવેલો. મેં તો માલા ડાસોને પૂછયું 'શું લાકડી લઇ બેઠા છો?' માલા ડોસાએ વાત કરી, 'રાતે સપનામાં મને પાંચ જણા મારી ગયા છે.' મેં કહ્યું, 'પણ એનું હવે અત્યારે શું છે?' માલા ડોસા કહે, 'હું નામ ભૂલી ગયો છું પણ ચહેરા યાદ છે. અહીં લાકડી લઇને બેઠો છું. સપનાવાળો નીકળે ઇ ભેગો પાડી દેવો છે. બધાયને લમઢારી નો નાખું તો હું માલો ટળી જાઉ.'. મેં ગામમાં વાત કરી. બધા સીમમાં વયા ગયાં. સૌએ વિચાર્યું કોને કોને ખબર છે કોણ એના સપનામાં આવ્યો હશે. સાવ લેવાદેવા વગરના આપણે અંટાઇ જઇએ, મૂળ વાત પર આવું. છ ગાડા અમરાપર વટી ગયા પછી છગનબાપાએ પૂછયું, 'મથુર કયા ગાડામાં છે?' કોઇ કહે બીજામાં , કોઇ કહે છેલ્લામાં, સરવાળે બધાં ગાડા ઊભા રાખી તપાસ કરી તો એક પણ ગાડામાં મથુર નહોતો. સાથે અણવર પણ નહોતો. બંને ચોરણી પેરવામાં ઉતારે રોકાઇ રહ્યા હતાં. પોસ્ટકાર્ડ પેનીએ રાખી તડોતડ ચોરણી ચડાવવામાં ઘણો સમય લાગ્યો એમાં ગાડાં રવાના થઇ ગયાં. વરરાજા મથુરને થયું હું પરણ્યા વગરનો રહી જઈશ તે ઇ અને અણવર વિઠ્ઠલ હાલીને રવાના થયા. એમને તેડવા ગાડુું પાછું વળે ત્યાં તો બંને દેખાણા. મથુરના બાપા મથુરને મારવા દોડયા પણ અમે પકડીને રોકી રાખ્યાં. વડીલોએ કહ્યુ, 'ભલા માણસ, બે દી જાળવી નથી શકતા?'

અમે જાનના ગાડામાં રવાના થયા અને મથુર વરરાજાને ભૂલી ગયા એમ આ દેશમાં ખુરસીની ખેંચતાણમાં રોકાયેલા રાજકારણીઓ દેશની પાયાની સમસ્યા ગરીબી, ગંદકી, ભ્રષ્ટાચાર, અન્ન, આવરણ, આવાસને ઠામૂકી ભૂલી ગયાં છે.

સિંગાપોર જોતાં મને થયું કે આ નાનકડા સિટી સ્ટેટે માનવીની પાયાની જરૂરિયાતોની સમસ્યા હલ કરી છે. અહીં નાગરિકોને પૂરતો પૌષ્ટિક ખોરાક તમામને મળી રહે છે. વસ્ત્રોની જરા પણ કમી નથી. આવાસો પણ સૌને મળે છે. પ્રત્યેક કોમ્પ્લેક્ષમાં સ્વિમિંગ પુલ, ટેનિસ કોર્ટ. બાળકો માટે ક્રીડાંગણ અને પૂરતા હવાઉજાસવાળી મોટી હોટેલો, મોટા મકાનો, ફળિયામાં બગીચા, સ્વચ્છ પહોળા રસ્તા અને આખા શહેરને લીલુંછમ રાખતાં વૃક્ષો. અહીં વૃક્ષની ડાળ કાપવી, કયાંય પણ પાનની પિચકારી મારવાની આકરી શારીરિક શિક્ષા છે. અને એ ગુનો કર્યો કે સજા ભોગવવી જ પડે છે. આખા રાષ્ટ્રમાં ક્યાંય લાંચરુશ્વતનું નામનિશાન નથી. અહીંથી ત્યાં વસેલા ગુજરાતી વડીલો નગીનભાઇ, જયંતીભાઇ, ગોહિલ સાહેબ, કોઠારી સાહેબ વગેરેએ અમને ઘણી ઘણી વાતો સિંગાપોર માટે કરી. ખારા સમદરમાં મીઠી વીરડી જેવો, ખારા મહાસાગરમાં આવેલો આ માનવતાની મીઠાશથી મહેકતો બેટ અમને બહુ સુંદર લાગ્યો. જોકે પચ્ચીસ બાય ત્રીસ માઇલનો વિસ્તાર અને ત્રીસ લાખની વસ્તી ધરાવતા એક જ નગરના આ રાજયે માનવી જો સમજણપૂર્વકનો કઠોર પરિશ્રમ કરે તો કેવું સર્જન કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-hasya-lekh/

No comments:

Post a Comment